તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
દેશભરમાં નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ શરૂ : કેન્દ્ર સરકારે મધરાત્રી પછી જાહેરનામું બહાર પાડીને ૨૦૨૩ના મહિલા અનામત કાયદાને સત્તાવાર રીતે લાગુ કર્યો
સંસદમાં ૨૦૨૯થી અનામત આપવા મુદ્દે ગરમાગરમ ચર્ચા વચ્ચે કાયદા મંત્રાલય દ્વારા ૧૬ એપ્રિલ ૨૦૨૬થી કાયદો પ્રભાવી હોવાની જાહેરાત કરાઈ : સીમાંકન અને વસ્તી ગણતરી બાદ જ વાસ્તવિક અમલીકરણ શક્ય બનશે*

નવી દિલ્હી : ભારતીય લોકશાહીમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલો 'નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩' હવે દેશભરમાં સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કાયદા હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની બેઠકોમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
૧૬ એપ્રિલથી કાયદો અમલી ગણાશે:
કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે જાહેર કરેલી સૂચના મુજબ, બંધારણ (૧૦૬મો સુધારો) અધિનિયમ ૨૦૨૩ની કલમ-૧ની પેટા-કલમ (૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે ૧૬ એપ્રિલ ૨૦૨૬ની તારીખ નક્કી કરી છે, જે દિવસથી આ અધિનિયમની તમામ જોગવાઈઓ અમલમાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદના બંને ગૃહો દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે હવે કાયદાકીય સ્વરૂપે દેશમાં સ્વીકૃત બન્યું છે.
અમલીકરણની તારીખ મુદ્દે ચર્ચાઓ:
એક તરફ જ્યારે સંસદમાં આ કાયદામાં સુધારો કરીને તેને ૨૦૨૯ની ચૂંટણીઓથી જ લાગુ કરવા અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સરકારે ૧૬ એપ્રિલથી તેને પ્રભાવી બનાવતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે નારી શક્તિ વંદન અધિનિયમની મૂળ ભાવના અને જોગવાઈઓને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા આ ટેકનિકલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
વસ્તી ગણતરી અને સીમાંકન સાથેનું જોડાણ:
અત્યાર સુધીની સ્થિતિ મુજબ, ૨૦૨૩ના મૂળ કાયદામાં એવી શરત હતી કે મહિલા અનામત ૨૦૨૭ની વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમલમાં આવશે. આ પ્રક્રિયા મુજબ વાસ્તવિક અનામત ૨૦૩૪ પહેલા મળવી મુશ્કેલ જણાતી હતી. જોકે, હાલમાં સંસદમાં ત્રણ નવા વિધેયકો પર ચર્ચા ચાલી રહી છે, જેનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૯ની આગામી સામાન્ય ચૂંટણીઓથી જ મહિલાઓને અનામતનો લાભ અપાવવાનો છે.
વર્તમાન ગૃહમાં અસર નહીં થાય:
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભલે આ અધિનિયમ ૧૬ એપ્રિલથી અમલી બન્યો હોય, પરંતુ તેની અસર વર્તમાન લોકસભા કે રાજ્ય વિધાનસભાઓ પર તાત્કાલિક ધોરણે નહીં પડે. અનામત આપવાની પ્રક્રિયા સીધી રીતે આગામી વસ્તી ગણતરીના આંકડા અને તેના આધારે નક્કી થતા બેઠકોના નવા સીમાંકન સાથે જોડાયેલી છે. આ કાયદો લાગુ થવાથી હવે ભવિષ્યમાં ધારાસભાઓમાં મહિલાઓની ભાગીદારી એક તૃતીયાંશ બેઠકો પર નિશ્ચિત બની જશે. નરેન્દ્ર ભાઈ અને ભૂપેન્દ્ર ભાઈની સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દેશની મહિલા શક્તિને નીતિ ઘડતરમાં મહત્વનું સ્થાન મળશે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
