તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
મધ્ય પૂર્વના જંગની આંચ: દેશમાં LPG વપરાશમાં 16%નો મોટો કડાકો
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા એપ્રિલમાં ગેસના વપરાશમાં ગાબડું; સરકારે સ્થાનિક ગ્રાહકોને બચાવવા કોમર્શિયલ સપ્લાયમાં કાપ મૂક્યો

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. એપ્રિલમાં દેશમાં LPG વપરાશમાં 16.16%નો આઘાતજનક ઘટાડો નોંધાયો છે. ભારત તેની જરૂરિયાતનો 60% ગેસ આયાત કરે છે, જેનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરથી પસાર થાય છે. યુદ્ધની સ્થિતિને કારણે સાઉદી અરેબિયા અને UAEથી આવતા પુરવઠામાં અવરોધ ઊભો થતા એપ્રિલમાં કુલ વપરાશ ઘટીને 2.2 મિલિયન ટન પર આવી ગયો છે.
પુરવઠાની આ ખેંચને પહોંચી વળવા સરકારે વ્યૂહાત્મક ફેરફારો કર્યા છે. ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો જેવા વ્યાપારી એકમોના LPG સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં, ઉપલબ્ધ સ્ટોકને લાંબો સમય ચલાવવા માટે ઘરોમાં સિલિન્ડર રિફિલિંગ માટેના દિવસોનો અંતરાલ પણ વધારી દેવામાં આવ્યો છે. PPACના આંકડા મુજબ, માર્ચની સરખામણીએ એપ્રિલમાં સ્થિતિ વધુ વણસી છે, જે ઉર્જા સુરક્ષા સામે મોટો પડકાર દર્શાવે છે.
માત્ર રાંધણ ગેસ જ નહીં, પરંતુ ગલ્ફ દેશોમાં એરસ્પેસ બંધ થવાને કારણે એવિએશન ટર્બાઇન ઇંધણ (ATF)ની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં ATFનો વપરાશ ઘટીને 7.61 લાખ ટન રહ્યો હતો. આ ઘટાડો સ્પષ્ટ સંકેત આપે છે કે વૈશ્વિક અસ્થિરતા ભારતની આંતરિક અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના વપરાશ પર કેટલી ઊંડી અસર કરી શકે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
