<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

બ્રિટન-ફ્રાન્સ પર રશિયાના હુમલાનો તોળાતો ખતરો: નાટો સાથે સીધા મહાયુદ્ધના ભયાનક એંધાણ!

સીઆઈએ ચીફની મોસ્કોની ગુપ્ત મુલાકાત વચ્ચે રશિયા દ્વારા બાલ્ટિક દેશો કે યુરોપિયન સૈન્ય મથકો પર સાયબર કે મિસાઈલ એટેક થવાની ભારે દહેશત

લંડન:  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સમગ્ર યુરોપ ખંડને પોતાના લપેટામાં લેવા તરફ આગળ વધી રહ્યું છે. યુક્રેનને બ્રિટન અને ફ્રાન્સ દ્વારા લાંબા અંતરની સ્ટાર્મ શેડો ક્રુઝ મિસાઇલો વિકસાવવા માટે ગુપ્ત લશ્કરી ટેકનોલોજી પૂરી પાડવાની જાહેરાત બાદ રશિયાના વિદેશ મંત્રાલયે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. મોસ્કોએ વિદેશી દેશોને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે જો યુક્રેન બહારથી મળતી મદદથી રશિયા પર હુમલા કરશે, તો રશિયન દળો પોતાની સુરક્ષા માટે યુક્રેનની સીમા બહાર આવેલ બ્રિટિશ અને ફ્રેન્ચ સૈન્ય થાણાઓ પર પણ વળતો પ્રહાર કરી શકે છે. BSF અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો આ ચેતવણીને નાટો દેશો સામે સીધા યુદ્ધના એંધાણ તરીકે જોઈ રહ્યા છે.

આ ભારે વિવાદ વચ્ચે વોલ સ્ટ્રીટ જર્નલના એક અત્યંત સળગતા રિપોર્ટ અનુસાર, અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ના ચીફ જોન રેટક્લિફે મોસ્કોની અત્યંત ગુપ્ત મુલાકાત લીધી હતી. યુએસ ઇન્ટેલિજન્સ એસેસમેન્ટમાં દાવો કરાયો છે કે રશિયા નાટો (NATO) દેશોની સૈન્ય ક્ષમતા ચકાસવા માટે બાલ્ટિક ક્ષેત્રના કોઈ દેશ પર મોટો સાયબર હુમલો, ડ્રોન સ્ટ્રાઈક અથવા સીમિત ઘૂસણખોરી કરી શકે છે. જોકે, આ બેઠક અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ સ્પષ્ટ ખુલાસો કરવાનું ટાળ્યું છે. બીજી તરફ, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સીઆઈએ ચીફની મુલાકાત અને આક્રમણના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દીધા છે.

યુરોપ સામે સૌથી મોટી ચિંતા એ છે કે હાલમાં ત્યાં અમેરિકી સૈન્ય પાસે અદ્યતન 'પેટ્રિઅટ' મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સની ગંભીર અછત સર્જાઈ છે. મધ્ય પૂર્વમાં ઇરાન સાથેના તણાવ અને અન્ય સંઘર્ષોને કારણે પશ્ચિમી દેશોના મિસાઈલ સ્ટોકમાં વિપુલ ઘટાડો નોંધાયો છે. રશિયાની હાઈ-સ્પીડ બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે આ પેટ્રિઅટ સિસ્ટમ અત્યંત મહત્વની માનવામાં આવે છે. જો આ તણાવ વચ્ચે રશિયા કોઈ સાયબર કે સૈન્ય એટેક કરશે, તો યુરોપિયન સુરક્ષા એજન્સીઓ માટે તેનો સામનો કરવો અત્યંત પડકારજનક બની રહેશે.

(7:07 PM IST)