<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

જો ઇરાનમાં સત્તા પરિવર્તન નહીં થાય તો IMEC કોરિડોર જોખમમાં મૂકાશે: પૂર્વ યુએસ એનએસએ જ્હોન બોલ્ટનની ચેતવણી!

વેસ્ટ એશિયામાં વધતી અસ્થિરતા અને સમુદ્રી માર્ગો પરના હુમલા ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર માટે સુરક્ષાનો મોટો પડકાર; ટ્રમ્પની ઇરાન નીતિ પર પણ બોલ્ટનના આકરા પ્રહારો

વોશિંગ્ટન ડીસી : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જ્હોન બોલ્ટને ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) ની આર્થિક ક્ષમતા અને મહત્વની પ્રશંસા કરી છે, પરંતુ સાથે જ તેમણે એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારી છે. બોલ્ટને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી ઇરાનની વર્તમાન શાસન વ્યવસ્થામાં પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી મિડલ ઈસ્ટમાં શાંતિ અને સુરક્ષા હંમેશા જોખમમાં રહેશે. આ અસ્થિરતાના કારણે સમગ્ર પ્રદેશમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગો અને IMEC કોરિડોર પર સતત ભય મંડરાતો રહેશે.

 

વર્ષ ૨૦૨૩માં શરૂ કરાયેલા ઐતિહાસિક IMEC કોરિડોરમાં ભારતને ગલ્ફ પ્રદેશ સાથે જોડતો ઈસ્ટર્ન કોરિડોર અને ગલ્ફને યુરોપ સાથે જોડતો નોર્ધર્ન કોરિડોર સામેલ છે. જ્હોન બોલ્ટને નોંધ્યું કે ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે ગાઢ થતા સંબંધો એક તાર્કિક વ્યૂહાત્મક પગલું છે. જોકે, તેમણે ઉમેર્યું કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને લાલ સમુદ્રના બાબ અલ-મંદબ (Bab al-Mandab) જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર ઇરાન પ્રેરિત સુરક્ષા ખતરા વ્યાપારી વાહનવ્યવહાર માટે મોટું વિઘ્ન બની શકે છે. ઇરાનમાં સ્થાનિક જનતાના હાથમાં સત્તા ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં સ્થિરતા શક્ય નથી.

 

ટ્રમ્પની વિદેશ નીતિ અને ઇરાન વ્યૂહરચના પર ઉઠાવ્યા સવાલો

 

જ્હોન બોલ્ટને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિની પણ સખત ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ૮૧મા સત્રમાં ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા વક્તવ્યનો ઉલ્લેખ કરતા બોલ્ટને કહ્યું કે, ટ્રમ્પ પાસે ઇરાન અંગે કોઈ લાંબા ગાળાની સ્પષ્ટ વ્યૂહરચના કે વિઝન નથી. તેમનું વક્તવ્ય માત્ર આગામી યુએસ ઇલેક્શનમાં અમેરિકી મતદારોને આકર્ષવા અને વૈશ્વિક ઉર્જાના ભાવ અંકુશમાં હોવાનું દર્શાવવા પૂરતું સીમિત હતું.

 

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં GCC અને અરબ નેતાઓ સાથેની બેઠકમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે IMEC કોરિડોરને પોતાનું સક્ષમ સમર્થન જાહેર કર્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ઉર્જા માળખાને ઇરાની ચેકપોઇન્ટ્સથી દૂર ખસેડવું અત્યંત જરૂરી બન્યું છે. વેસ્ટ એશિયાના દેશો અને વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને અમેરિકા પાઇપલાઇન, રેલવે અને સમુદ્રી નેટવર્ક ધરાવતા IMEC કોરિડોરને સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે.

 

(6:00 PM IST)