<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ઐતિહાસિક ધરોહર પર ગેરકાયદે કબ્જો: દેશના 414 રાષ્ટ્રીય સ્મારકો પર અતિક્રમણનો પંજો : ઉત્તર પ્રદેશ સૌથી મોખરે!

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 'ભુવન પોર્ટલ'ના સેટેલાઇટ ડેટા અને જીઓ-ટેગિંગ વડે ગેરકાયદે બાંધકામો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી : સંસદમાં રજૂ કરાયેલા આંકડામાં ઉત્તર પ્રદેશ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં સૌથી વધુ અતિક્રમણ સામે આવ્યું

નવી દિલ્હી:  ભારતના ભવ્ય ભૂતકાળ અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન પ્રાચીન સ્મારકો પર હવે ગેરકાયદે કબ્જા અને અતિક્રમણનું મોટું ગ્રહણ લાગ્યું છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું છે કે, દેશમાં જાહેર કરાયેલા કુલ ૩,૬૮૮ રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાંથી ૪૧૪ ઐતિહાસિક સ્થળો અતિક્રમણનો ભોગ બન્યા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ ૭૫ કબ્જાગ્રસ્ત સ્મારકો સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ૭૪ સ્મારકો પર ગેરકાયદે કબ્જા સાથે તમિલનાડુ બીજા અને ૪૮ સ્થળો સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. દેશની રાજધાની દિલ્હી પણ આમાંથી બાકાત નથી, જ્યાં ૪૦ જેટલા સંરક્ષિત સ્મારકોની જમીન પર ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે.

આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 'પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અધિનિયમ, ૧૯૫૮' (AMASR Act) હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દેશના સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે હવે ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે. ASI એ તમામ સંરક્ષિત સ્મારકોની સીમાઓનું ભૌગોલિક સર્વેક્ષણ અને ડિજિટાઇઝેશન પૂર્ણ કરીને તેનો ડેટા ISRO ના 'ભુવન પોર્ટલ' પર અપલોડ કરી દીધો છે. આ સેટેલાઇટ ડેટાને રાજ્ય સરકારોના મહેસૂલી જમીન રેકોર્ડ સાથે સંકલિત (Integrated) કરવામાં આવી રહ્યો છે, જેથી સ્મારકોની વાસ્તવિક સીમાઓ નક્કી કરી શકાય અને અનધિકૃત બાંધકામોની તાત્કાલિક ઓળખ થઈ શકે.

અતિક્રમણ કરનારાઓ સામે બુલડોઝર ફેરવવા અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે સ્થાનિક મહેસૂલી અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે મળીને સંયુક્ત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક જમીન રેકોર્ડ સાથે સેટેલાઈટ મેપિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેથી ઐતિહાસિક ધરોહરોની જમીન પરથી ગેરકાયદે કબ્જો હટાવી શકાય. સરકારે સ્પષ્ટ ચિમકી આપી છે કે, દેશના પ્રાચીન વારસાની અખંડિતતા સાથે ચેડાં કરનારાઓ સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના આકરા પગલાં ભરવામાં આવશે.

(10:25 PM IST)