<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બોલિવૂડ અભિનેતા ચંદ્રચૂડ સિંહના બંગલા બહાર પાર્કિંગ એરિયામાં થયેલું ગેરકાયદેસર દબાણ બુલડોઝર ફરી વળ્યું

હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ડીએલએફ ફેઝ 3માં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર મોટી કાર્યવાહી :અગાઉથી કાનૂની નોટિસ અપાઈ હોવા છતાં કોઈ જવાબ ન મળતા આ કડક એક્શન લેવાયું

હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રશાસને ગેરકાયદેસર બાંધકામ સામે અત્યંત કડક અને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુરુગ્રામના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક ગણાતા ડીએલએફ ફેઝ 3  શુક્રવારે ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર એટલે કે ડીટીપીનું બુલડોઝર  ગરજ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ રહ્યો કે બોલિવૂડના જાણીતા અભિનેતા ચંદ્રચૂડ સિંહ ના  ઘરનો અમુક હિસ્સો પણ આ કાર્યવાહીની ઝપેટમાં આવી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક્ટર ચંદ્રચૂડ સિંહના બંગલાની બહાર આવેલા પાર્કિંગ એરિયામાં નિયમોની અવગણના કરીને કેટલુંક બાંધકામ કરવામાં આવ્યું હતું. ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની તપાસમાં આ બાંધકામને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નિયમોનું ઉલ્લંઘન કરતું માનવામાં આવ્યું. શુક્રવારે જ્યારે ટાસ્ક ફોર્સ પૂરી તૈયારી અને મોટા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે કોઈપણ પ્રકારની ઢીલ રાખ્યા વિના આ ગેરકાયદેસર હિસ્સાને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અહેવાલોનું માનીએ તો, પ્રશાસન દ્વારા આ કાર્યવાહી અચાનક કે કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના કરવામાં આવી ન હતી. ગુરુગ્રામ પ્રશાસન  દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ અંગે અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, નક્કી કરેલી સમયમર્યાદાની અંદર અભિનેતા કે તેમની ટીમ તરફથી આ નોટિસનો કોઈ જ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આ જ કારણોસર અંતે વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કડક કાર્યવાહી કરવામાં આવી.

આ સમગ્ર કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 'ગ્રેટર નોઈડા વેસ્ટ'ના સત્તાવાર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર્યવાહી દરમિયાન ચંદ્રચૂડ સિંહ પોતે ઘરની બહાર રસ્તા પર ઉભા છે. સફેદ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલા અભિનેતા ખૂબ જ શાંતિથી ત્યાં હાજર ડીટીપી અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેતા ચંદ્રચૂડ સિંહ ત્યાં હાજર વહીવટી અધિકારીઓ પાસે જાય છે અને તેમની સાથે હાથ મિલાવે છે. તેઓ અંગ્રેજીમાં અધિકારીઓને કહે છે કે, "House is safe, that's what is important. તેના જવાબમાં સામે ઉભેલા અધિકારી પણ તેમને સાંત્વના આપતા કહે છે કે, "House is safe... very safe. આ દર્શાવે છે કે કાર્યવાહી દરમિયાન કોઈ ઘર્ષણ સર્જાયું ન હતું.

(11:38 PM IST)