<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

દિલ્હીમાં ગેરકાયદે બાંધકામો પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: "અધિકારીઓ સુધર્યા નહીં, હવે અમારા આદેશો ધ્રુજાવી દેશે!"

માલવિયા નગર હોટેલ અગ્નિકાંડ અને સાકેત હોનારત બાદ કોર્ટનું અદાલતનો ચાબુક : બેદરકાર બાબુઓની વ્યક્તિગત જવાબદારી નક્કી થશે : IIT દિલ્હીના પ્રોફેસરોની ટીમ કરશે સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કાયદાના લીરેલીરા ઉડાવીને ખડકાઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો અને ફાયર સેફ્ટીના નિયમોની ઘોર અવગણના પર આજે સુપ્રીમ કોર્ટે અત્યંત રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે થયેલી એક હાઈ-વોલ્ટેજ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે તંત્રને આકરા શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે, "અમને આશા હતી કે જવાબદાર અધિકારીઓ જાતે જાગશે અને ગુનેગારો પર એક્શન લેશે, પરંતુ ભ્રષ્ટ તંત્રના લીધે એવું કશું જ ન થયું. હવે કોર્ટ પોતે એવા કડક આદેશો જારી કરવા જઈ રહી છે, જેનાથી ગેરકાયદે ઈમારતો ચલાવનારા અને તેના પર આંખ આડા કાન કરનારા અસંખ્ય લોકો પ્રભાવિત થશે." કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી સમયમાં જનતાના જીવ સાથે રમત રમનાર કોઈપણ બેદરકાર અધિકારી બચી શકશે નહીં અને તેમની વ્યક્તિગત ગુનાહિત જવાબદારી નક્કી કરી જેલભેગા કરાશે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પોશ અને ગીચ વિસ્તારો એવા સાકેત, લાજપત નગર અને સરોજિની નગરમાં ચાલી રહેલા જોખમી બાંધકામોને લઈને ગ્રાઉન્ડ લેવલ પર કડક સિકંજો કસવાનો આદેશ આપ્યો છે. આ વિસ્તારોમાં બિલ્ડિંગોની ફિટનેસ અને વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે કોર્ટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે, જેમાં IIT દિલ્હીના બે સિનિયર પ્રોફેસરો, બે પ્રોફેશનલ ડ્રાફ્ટ્સમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના ઉચ્ચ અધિકારીઓ સામેલ રહેશે. આ હાઈટેક ટીમ માત્ર ઓફિસોમાં બેસીને કાગળો તપાસવાને બદલે સીધી સાઇટ પર જઈને નિયમોનું ઉલ્લંઘન પકડી પાડશે, જેથી તાજેતરમાં બનેલી લખનૌ આગ અને સાકેતમાં ઈમારત ધરાશાયી થવા જેવી ગંભીર હોનારતોનું દિલ્હીમાં પુનરાવર્તન થતું અટકાવી શકાય.

આ સુનાવણીનો વ્યાપ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત નથી રહ્યો; કોર્ટે ગુરુગ્રામ (ગુડગાંવ) ના એક ચોંકાવનારા મીડિયા રિપોર્ટની પણ ગંભીર નોંધ લીધી છે, જેમાં દાવો કરાયો હતો કે ગુરુગ્રામની અંદાજે 93 ટકા ઈમારતોમાં ફાયર સેફ્ટીના કોઈ જ નિયમો પળાતા નથી અને તે માત્ર કાગળ પર ચાલે છે. આ મામલે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામ વિકાસ સત્તામંડળ (GMDA) ના ઉપાધ્યક્ષ અને લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને આગામી સુનાવણીમાં રૂબરૂ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. તાજેતરમાં જ ૩ જૂન, ૨૦૨૬ ના રોજ દક્ષિણ દિલ્હીના માલવિયા નગરની 'હોટેલ ફ્લોરિશ સ્ટે' માં લાગેલી ભીષણ આગમાં બંધ દરવાજાના લીધે ૨૧ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૫ લોકો દાઝી ગયા હતા, આ દર્દનાક કાંડને ટાંકીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે હવે માનવ જિંદગીની કિંમતે બિલ્ડર-બાબુઓની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહીં.

(7:16 PM IST)