તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
"તારા જેવા તો હજાર પતિ શોધી લઈશ!" પત્નીનું આ મેણું પતિ માટે બન્યું ગંભીર ઉશ્કેરણીનું કારણ: હાઈકોર્ટે આરોપી પતિની આજીવન કેદની સજા ઘટાડી સાત વર્ષ કરી
"પત્નીના આવા શબ્દો પતિના અસ્તિત્વને નકારવા સમાન"; મધ્યપ્રદેશ હાઈકોર્ટે પૂર્વયોજિત કાવતરું ન હોવાનું સ્વીકારી આજીવન કેદની સજામાં કર્યો મોટો ઘટાડો

જબલપુર, : પારિવારિક ઝઘડા અને લગ્નજીવનમાં અરસપરસ બોલાતા કડવા વેણ કઈ હદ સુધી જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા દ્વારા સામે આવ્યો છે. હાઈકોર્ટે પોતાની સાત મહિનાની સગર્ભા પત્નીની ઘાતકી હત્યા કરનારા આરોપી પતિની આજીવન કેદની સજામાં મોટો ઘટાડો કરીને તેને માત્ર સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ અવનીન્દ્ર કુમાર સિંહની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતાં નોંધ્યું કે, પત્ની દ્વારા બોલાયેલું વાક્ય "હું તમારા જેવા હજાર પતિ શોધી શકું છું", એ કાનૂની દ્રષ્ટિએ એક 'ગંભીર અને અચાનક ઉશ્કેરણી' (Grave and Sudden Provocation) નું કારણ હતું, જેના લીધે આ ગુનો આચરવામાં આવ્યો હતો.
આ કમનસીબ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના ચૌરહી બ્લોકમાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ બની હતી. આરોપી શિવ કહાર અને તેની પત્ની કિરણ વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર દલીલો થઈ રહી હતી. આ વિવાદ દરમિયાન કિરણ સાત મહિનાની ગર્ભવતી હતી. ગુસ્સામાં આવીને કિરણે જ્યારે પતિને મહેણું માર્યું કે તે તેના જેવા હજારો પતિ શોધી શકે છે, ત્યારે શિવ કહાર પોતાનો માનસિક આક્રોશ ગુમાવી બેઠો હતો. તેણે ગુસ્સામાં આવીને નજીકમાં પડેલો એક મોટો પથ્થર કિરણના માથા પર ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગુનો કર્યા પછી સસરા અને પોલીસને પોતે જ ફોન કર્યો
સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ કેસની સૌથી મોટી અને મહત્વની કડી એ હતી કે કિરણની હત્યા કર્યા બાદ આરોપી શિવ કહાર ત્યાંથી ભાગી નહોતો ગયો. તેણે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક વ્યક્તિગત રીતે પોતાના સસરાને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેના આધારે તેની ધરપકડ કરાઈ હતી. છિંદવાડા જિલ્લા અદાલતે (ટ્રાયલ કોર્ટે) તેને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી, જેને આરોપીએ હાઈકોર્ટમાં પડકારી હતી.
હાઈકોર્ટનું મહત્વનું અવલોકન: "માણસ તરીકે તેનું કોઈ મૂલ્ય ન રાખ્યું"
મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસના તમામ તથ્યો અને પુરાવાઓનું બારીકાઈથી અધ્યયન કર્યા બાદ જણાવ્યું કે, આ હત્યા કોઈ પૂર્વયોજિત કાવતરું કે આયોજનબદ્ધ ગુનો નહોતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે, જ્યારે કોઈ પત્ની પોતાના પતિને એવું કહે કે તેના જેવા હજાર પતિ મળી જશે, ત્યારે તે વાક્ય પતિની અસમર્થતા અને તુચ્છતાનો પરોક્ષ સંકેત આપે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે એક પુરુષ અથવા પતિ તરીકે સમાજમાં કે પરિવારમાં તેનું કોઈ મૂલ્ય નથી. પત્નીના આવા શબ્દો પુરુષ માટે અચાનક અને અત્યંત ગંભીર ઉશ્કેરણી પેદા કરી શકે છે.
કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપીએ હત્યા કરવા માટે કોઈ પૂર્વતૈયારી કરી નહોતી, પરંતુ ઝઘડા દરમિયાન ત્યાં નજીક પડેલા પથ્થરનો જ ઉપયોગ કર્યો હતો. આથી હાઈકોર્ટે આ મામલાને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૨ (હત્યા) ના બદલે કલમ ૩૦૪ ના ભાગ-II (ખૂન ન ગણાય તેવી સાપરાધ મનુષ્યવધ) હેઠળનો ગુનો ગણાવ્યો હતો. આ કલમ એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યાં આરોપીને ખબર હોય કે તેના કૃત્યથી મોત થઈ શકે છે, પરંતુ તેનો કોઈ પૂર્વ ઈરાદો હોતો નથી. પરિણામે, હાઈકોર્ટે સજા ઘટાડીને ૭ વર્ષની સખત કેદ અને ₹૧,૦૦૦ ના દંડનો આદેશ આપ્યો છે. જો આરોપી દંડ નહીં ભરે, તો તેણે વધુ એક વર્ષ જેલમાં વિતાવવું પડશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
