તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
IIMની રૂ. 50 લાખની જોબ છોડીને શરૂ કરી 5,000ની બેકરી: કોલકાતાની આ છોકરીએ શાર્ક ટેન્કમાં મચાવી ધૂમ: અનુપમ મિત્તલે આપ્યા 1 કરોડ!
IIM કોઝિકોડની સીટ ઠુકરાવીને ઘરના રસોડામાંથી સફર શરૂ કરનાર મેઘા સરાયનની 'લેન્ડ ઓફ કેક્સ'થી 'મોજ' સુધીની રોમાંચક અને પ્રેરણાદાયી સફળતાની ગાથા

કોલકાતા: જ્યાં એક તરફ દેશના લાખો યુવાનો IIM કોઝિકોડ જેવી દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજમાં એડમિશન મેળવવા અને કરોડોના પેકેજવાળી નોકરીના સપના જુએ છે, ત્યાં કોલકાતાની મેઘા સરાયને એક એવો નિર્ણય લીધો જેણે સૌને ચોંકાવી દીધા. સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલી મેઘાએ CAT પરીક્ષા પાસ કરીને IIMમાં સીટ મેળવી લીધી હતી, પરંતુ તેણે કોર્પોરેટ જગતની આરામદાયક જિંદગીના બદલે પોતાના હાથથી બનાવેલી કેકની સુગંધને પસંદ કરી. કોલેજના દિવસોમાં માત્ર એક વર્કશોપથી જાગેલો બેકિંગનો શોખ અને ઝોમેટો પર માત્ર એક જ પ્રોડક્ટ—'ચોકલેટ ટ્રુફાટા કેક'—સાથે શરૂ થયેલો બિઝનેસ, જેણે પહેલા મહિને માત્ર ₹3,000 કમાઈ આપ્યા હતા, તે જ આજે ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ સ્ટેજ 'શાર્ક ટેન્ક' સુધી પહોંચી ગયો છે.
ઓગસ્ટ 2018માં પોતાની નાની બચતમાંથી માત્ર ₹5,000 એકઠા કરીને મેઘાએ એક નાની જગ્યા ભાડે લીધી અને 'લેન્ડ ઓફ કેક્સ'નો પાયો નાખ્યો. પરંતુ ખરી અગ્નિપરીક્ષા કોરોના મહામારી દરમિયાન આવી, જ્યારે સ્ટાફ કામ છોડીને જતો રહ્યો અને ઓનલાઈન ઓર્ડરનો ઉપાડ અચાનક વધી ગયો. હાર માનવાને બદલે મેઘાએ પોતાના પિતા અને ભાઈ સાથે મળીને દિવસ-રાત એક કરી નાખ્યા. આ જ સમય દરમિયાન CATની તૈયારી કરતી વખતે તે દિવસમાં 6-7 કલાક બેકિંગ કરતી અને બાકીનો સમય અભ્યાસ કરતી. જ્યારે IIM કોઝિકોડનો એડમિશન લેટર હાથમાં આવ્યો ત્યારે તેની સામે રૂ. 50 લાખથી વધુની સંભવિત નોકરી અને પોતાની મહેનતથી ઉભો કરેલો નાનો વ્યવસાય પસંદ કરવાની ધર્મસંકટભરી સ્થિતિ હતી; પરંતુ તેણે પોતાના સ્વપ્નને ચાલુ રાખવાનો હિંમતભર્યો નિર્ણય લીધો.
પોતાના જુસ્સાને વ્યવસાયિક ધોરણે મજબૂત કરવા માટે મેઘાએ 'સિટી એન્ડ ગિલ્ડ્સ'માંથી સર્ટિફાઇડ પેસ્ટ્રી શેફની ટ્રેનિંગ લીધી અને કોલકાતાની 500થી વધુ રેસ્ટોરન્ટ્સનો સર્વે કરીને બજારની બારીકાઈઓ સમજી. ક્લાઉડ કિચનમાંથી આધુનિક કાફે કલ્ચરમાં કદમ મૂકતાં તેણે પોતાની બ્રાન્ડનું નવું નામ "મોજ" (MOJ) રાખ્યું, જે આજે કેક, ચીઝકેક અને બ્રાઉનીની અદભુત શ્રેણી માટે જાણીતી છે. મેઘાની આ અથાક મહેનત, સ્પષ્ટ વિઝન અને ઉત્કૃષ્ટ સ્વાદથી પ્રભાવિત થઈને 'શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 5'ના પ્રખ્યાત રોકાણકાર અનુપમ મિત્તલે તેની કંપનીમાં 9% ઈક્વિટીના બદલામાં ₹1 કરોડનું મોટું રોકાણ કર્યું છે, જે આજે ભારતના યુવા સાહસિકો માટે એક અનુકરણીય ઉદાહરણ બન્યું છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
