<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

લગ્નમાં એક વ્યક્તિ પાસેથી ₹2 લાખ કે તેથી વધુ રોકડ ભેટ લીધી તો લાગશે 100 ટકા દંડ : જાણો આવકવેરાની કલમ 269ST નો નિયમ

કુલ ભેટ પર નહીં, એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં કે એક પ્રસંગે મળેલી રોકડ પર લાગે છે નિયમ, લગ્નની ભેટ ટેક્સ ફ્રી છે પણ રોકડ લેવાની છૂટ નથી

નવી દિલ્હી તા.૨૪ : લગ્નમાં મળતી રોકડ ભેટ અંગે આવકવેરા વિભાગનો નિયમ ફરી ચર્ચામાં આવ્યો છે, લગ્નમાં ₹2 લાખથી વધુની રોકડ ભેટ લીધી તો ભારે દંડ ભરવો પડી શકે છે, આ નિયમ આવકવેરા કાયદા 1961ની કલમ 269ST હેઠળ લાગુ પડે છે, જે 1 એપ્રિલ 2017થી અમલમાં છે, આ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં કુલ મળીને, એક જ વ્યવહાર માટે કે એક જ પ્રસંગ કે ઇવેન્ટ માટે ₹2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં મેળવી શકતી નથી, એટલે કે જો લગ્ન જેવા એક જ પ્રસંગે એક જ વ્યક્તિ તમને ₹2 લાખ કે તેથી વધુ રોકડ આપે તો તે નિયમનો ભંગ ગણાય છે, અલગ અલગ મહેમાનો પાસેથી ₹50,000 કે ₹1 લાખ જેવી નાની રકમો મળે તો તેમાં કોઈ વાંધો નથી, કારણ કે મર્યાદા વ્યક્તિ દીઠ છે, કુલ ભેટ દીઠ નહીં, આ નિયમ ભેટ ઉપરાંત વેપાર, સેવા, મિલકત કે અન્ય કોઈ પણ વ્યવહાર પર પણ લાગુ પડે છે, જો નિયમનો ભંગ થાય તો કલમ 271DA હેઠળ મળેલી રકમ જેટલો જ એટલે કે 100 ટકા દંડ લાગે છે, દાખલા તરીકે જો કોઈ એક વ્યક્તિ પાસેથી ₹3 લાખ રોકડ લેવામાં આવે તો ₹3 લાખનો જ દંડ ભરવો પડે છે, આ દંડ રોકડ આપનાર પર નહીં, પરંતુ રોકડ લેનાર પર લાગે છે, એક મહત્ત્વની વાત એ છે કે લગ્ન પ્રસંગે મળેલી ભેટ આવકવેરા કાયદાની કલમ 56(2)(x) હેઠળ સંપૂર્ણ ટેક્સ ફ્રી છે, તેની કોઈ મર્યાદા નથી, પરંતુ ટેક્સ ફ્રી હોવાનો અર્થ રોકડમાં લેવાની છૂટ નથી, સગા સંબંધી પાસેથી મળેલી ભેટ પણ આ રોકડ મર્યાદામાંથી બાકાત નથી, તેથી મોટી ભેટ માટે ચેક, ડ્રાફ્ટ, NEFT, UPI કે અન્ય બેંક માધ્યમનો ઉપયોગ કરવો સલાહભર્યો છે, આ નિયમ સરકાર, બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક કે સહકારી બેંક દ્વારા મળેલી રકમ પર લાગુ પડતો નથી, ઉપરાંત બેંકમાંથી પોતાના પૈસા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ પડતો નથી, આ ઉપરાંત કલમ 269SS અને 269T હેઠળ ₹20,000 કે તેથી વધુની લોન કે ડિપોઝિટ રોકડમાં લેવા કે પરત કરવા પર પણ પ્રતિબંધ છે અને તેમાં પણ રકમ જેટલો જ દંડ લાગે છે, નિષ્ણાતોનું કહેવું છે કે લગ્નમાં મોટી રોકડ ભેટ લેતા પહેલા આ નિયમનું ધ્યાન રાખવું જોઈએ, જેથી પાછળથી આવકવેરા વિભાગની નોટિસ અને ભારે દંડનો સામનો ન કરવો પડે.

(3:42 PM IST)