તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
"મોદીના વખાણ કરો છો તો ભારત છોડીને દુબઈ કેમ ભાગ્યા?": વિવેક ઓબેરોય અને માધવન પર રાજ ઠાકરેના આકરા પ્રહારો
દેશના વિકાસના બણગા ફેંકતા બોલિવૂડ કલાકારોના વિદેશમાં સ્થાયી થવા પર MNS વડાએ સવાલો ઉઠાવ્યા: સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને NEET મુદ્દે પણ સરકારને ઘેરી

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ કલાકારો વિવેક ઓબેરોય અને આર. માધવન પર આકરા પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ દેશભક્તિ અને મોદી સરકારની નીતિઓના વખાણ કરનારા આ કલાકારોના વિદેશમાં વસવાટ કરવા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આટલો ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દેશમાં બધું બરાબર છે, તો પછી આ કલાકારો પોતાના પરિવાર સાથે ભારતમાં રહેવાને બદલે દુબઈમાં કેમ સ્થાયી થઈ ગયા છે?
પોતાના સંબોધનમાં વિવેક ઓબેરોયનો ઉલ્લેખ કરતા રાજ ઠાકરેએ કહ્યું કે વિવેકે તો વડા પ્રધાનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આર. માધવન પણ જાહેર પ્લેટફોર્મ પરથી પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા થાકતા નથી, છતાં બંનેએ રહેવા માટે દુબઈ પસંદ કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો તમને ભારત પ્રત્યે આટલો બધો પ્રેમ હોય અને દેશના વિકાસ પર વિશ્વાસ હોય તો વિદેશમાં સ્થાયી થવાનો આ વિરોધાભાસ કેમ? જોકે, અગાઉ આર. માધવને તેમના પુત્રની આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ કારકિર્દી માટે અને વિવેક ઓબેરોયે પોતાના બિઝનેસ વિસ્તાર માટે દુબઈ શિફ્ટ થવાનું કારણ આપ્યું હતું.
આ ઉપરાંત, રાજ ઠાકરેએ દેશમાં વધી રહેલા સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને રાજકીય અસંતોષ પર પણ ખુલીને વાત કરી હતી. દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનો અને NEET પેપર લીક મુદ્દાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશના યુવાનોમાં અસંતોષનો ગુસ્સો પહેલેથી જ ભડકી રહ્યો હતો અને આ મુદ્દાઓએ માત્ર ચિનગારીનું કામ કર્યું છે. તેમણે શાસક પક્ષને પણ આડે હાથ લેતા કહ્યું કે ભાજપ સમર્થકોએ સોશિયલ મીડિયા પર જે ટ્રોલિંગ અને અપશબ્દોની સંસ્કૃતિ શરૂ કરી હતી, તે જ વાતાવરણ આજે દેશમાં પાછું ફરી રહ્યું છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
