News of Saturday, 18th July 2026
બેંગલુરુ મેટ્રોમાં રીલ્સ બનાવી કે કચરો કર્યો તો ખિસ્સા ખાલી! નિયમ તોડનારાઓ માટે દંડ વધારીને ₹૨૫,૦૦૦ કરાયો
જન વિશ્વાસ અધિનિયમ ૨૦૨૬ હેઠળ નિયમો થયા કડક: ટ્રેક પર ચાલવા કે નકલી ટિકિટ બદલ ૫૦ ગણો વધુ દંડ, દર ૩ વર્ષે દંડની રકમમાં ઓટોમેટિક ૧૦% નો વધારો થશે

બેંગલુરુ : જો તમે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 'નમ્મા મેટ્રો' (Namma Metro) માં મુસાફરી કરી રહ્યા છો, તો હવે તમારે અત્યંત સાવધ અને શિસ્તબદ્ધ રહેવું પડશે. બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ મુસાફરોની સલામતી, સ્વચ્છતા અને જાહેર સંપત્તિના રક્ષણ માટે નિયમ ઉલ્લંઘન બદલ વસૂલવામાં આવતા દંડમાં ૧૦ થી લઈને ૫૦ ગણો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. કેન્દ્ર સરકારના 'જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) અધિનિયમ ૨૦૨૬' ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ, હવે મેટ્રો પરિસરમાં લઘુત્તમ દંડ ₹૨,૫૦૦ અને મહત્તમ દંડ ₹૨૫,૦૦૦ સુધી વધારી દેવામાં આવ્યો છે.
કયા ગુના માટે કેટલો દંડ? જુઓ નવું લિસ્ટ:
ટ્રેક પર ચાલવું અને નકલી ટિકિટ: મેટ્રો ટ્રેક પર ગેરકાયદેસર પ્રવેશ કરવો, ટિકિટનો દુરુપયોગ કે બનાવટી ટિકિટ વાપરવા બદલ હવે અગાઉના ₹૫૦૦ ના બદલે ₹૫,૦૦૦ થી લઈને ₹૨૫,૦૦૦ સુધીનો ભારે દંડ વસૂલવામાં આવશે.
જાહેર સંપત્તિને નુકસાન: મેટ્રોની દીવાલો પર લખવું કે પોસ્ટરો ચોંટાડવા બદલ હવે ₹૧,૦૦૦ ને બદલે સીધો ₹૧૦,૦૦૦ નો દંડ ફટકારાશે.
રીલ્સ બનાવવી અને ધમાલ કરવી: મેટ્રોની અંદર સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવી, પ્રતિબંધિત જગ્યાએ ખાવું, ફ્લોર પર બેસવું કે મોટેથી સંગીત વગાડવા બદલ ₹૨,૫૦૦ થી ₹૧૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
ગેરવર્તણૂક અને દારૂ પીવો: પરિસરમાં દારૂ પીવો, લડાઈ કરવી, થૂંકવું અથવા અનધિકૃત વેપાર કરવા બદલ ₹૨,૫૦૦ થી ₹૫,૦૦૦ નો દંડ થશે. આ ઉપરાંત ફટાકડા કે જોખમી રસાયણો લાવવા પર પણ ₹૨,૫૦૦ નો દંડ નક્કી કરાયો છે.
દર ૩ વર્ષે દંડમાં થશે વધારો:
નવા કાયદાની સૌથી કડક જોગવાઈ એ છે કે આ તમામ દંડની રકમમાં દર ત્રણ વર્ષે આપમેળે (Automatically) ૧૦ ટકાનો વધારો થઈ જશે. BMRCL ને આશા છે કે આ કડક કદમથી વારંવાર નિયમો તોડતા તત્વો પર લગામ કસાશે. આ સાથે જ, મેટ્રો ટ્રેક પર થતા આત્મહત્યાના પ્રયાસો અને અકસ્માતો રોકવા માટે BMRCL ₹૧,૨૭૪ કરોડના ખર્ચે ૧૯૧ સ્ટેશનો પર તબક્કાવાર ઓટોમેટિક 'પ્લેટફોર્મ સ્ક્રીન ડોર' (PSDs) લગાવી રહ્યું છે, જે ટ્રેન સંપૂર્ણ ઉભી રહ્યા બાદ જ ખુલશે.
રૂમ ફ્રેશનર સ્પ્રેથી ફેલાયો રાસાયણિક હુમલાનો ગભરાટ:
નિયમો કડક કરવા પાછળ સુરક્ષાનું કેટલું મહત્વ છે તેનો પુરાવો તાજેતરમાં જ ઈન્દિરાનગર મેટ્રો સ્ટેશન પર જોવા મળ્યો હતો. ગુરુવારે સાંજે ૭:૩૦ વાગ્યે એક માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સે બહાર નીકળતા મુસાફરો પર અચાનક એક પ્રવાહી છાંટ્યું હતું. જેના ધુમાડાને કારણે મુસાફરોમાં એવો ગભરાટ ફેલાયો કે કોઈ કેમિકલ એટેક થયો છે. જોકે, બાદમાં તપાસ કરતા તે માત્ર રૂમ ફ્રેશનર હોવાનું બહાર આવ્યું હતું અને કોઈને ઈજા થઈ નહોતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તે માસ્કધારી શખ્સની શોધખોળ કરી રહી છે. મેટ્રો પ્રશાસને તમામ મુસાફરોને જવાબદાર નાગરિક બનવા અપીલ કરી છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
