તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જીજાજી હોય તો આવા...બે સાળાઓને પહેરાવ્યા રૂ.૨ કરોડના હાર
મથુરા જિલ્લામાં એક અનોખા લગ્નની ચર્ચાઃ ૧૦૦ ફૂટ લાંબી નોટોની માળાનો વીડિયો વાયરલ : હાર એટલા લાંબા હતા કે વરરાજાઓને મકાનની છત પર ચઢવું પડ્યું હતું

મથુરા તા.૨૩: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક અનોખા લગ્નપ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક જીજાજીએ પોતાના બે સાળાઓને રૂ.૫૦૦ની નોટોથી બનેલા વિશાળ હાર પહેરાવ્યા હતા. આ હારની લંબાઈ લગભગ ૧૦૦ ફૂટ હોવાનું કહેવાય છે. હાર એટલા લાંબા અને ભારે હતા કે બંને વરરાજાઓને મકાનની છત પર ઊભા રાખીને પહેરાવવામાં આવ્યા હતા.
આ ઘટના મથુરાના સુરીર વિસ્તારના નગલા ફોંડા ગામની છે. દેવઉઠી એકાદશી બાદ લગ્નની સિઝન શરૂ થતાં શનિવારે અહીં બે સગા ભાઈઓની ઘોડેચઢીની વિધિ યોજાઈ હતી. આ દરમિયાન રાજસ્થાનના કામા વિસ્તારના રહેવાસી જીજાજી યોગેશ ઠાકુરે પોતાના બંને સાળાઓને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું હતું.
મળતી માહિતી મુજબ, નગલા ફોંડા ગામના યોગેન્દ્ર સિંહ અને કુશલપાલ સિહના પુત્ર પ્રશાંત અને કાન્હા રાઘવનાં લગ્ન થવાના છે. ઘોડેચઢીની વિધિ દરમિયાન તેમના જીજાજી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુરે બંનેને રૂ.૫૦૦ની નવી નોટોથી બનેલા હાર પહેરાવ્યા હતા. દરેક હારની કિમત આશરે રૂ.૧ કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આમ, બંને હારની કુલ કિમત લગભગ રૂ.૨ કરોડ હોવાનો દાવો કરાયો છે.
આ હારની લંબાઈ લગભગ ૧૦૦ ફૂટ હોવાથી તેને સંભાળવા માટે અનેક લોકોએ મદદ કરવી પડી હતી. બંને વરરાજાઓને મકાનની છત પર ઊભા રાખીને હાર પહેરાવવામાં આવ્યા હતા. લગ્નમાં હાજર લોકો આ અનોખો નજારો પોતાના મોબાઇલમાં કેદ કરતા જોવા મળ્યા હતા.
વીડિયો વાયરલ થયા બાદ આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તે અંગે પણ સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ, દુલ્હાઓ અને તેમના જીજાજીએ આ મામલે કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. હવે આટલી મોટી રોકડનાસ્ત્રેત અને આવકવેરા વિભાગની સંભવિત તપાસ અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર તપાસ અથવા કાર્યવાહી થઈ હોવાની પુષ્ટિ આપવામાં આવી નથી.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
