<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મિત્ર પાસેથી ઉછીના લીધેલા રૂપિયા પરત નહીં ચૂકવો તો શું જેલમાં જવું પડશે? જાણો નાણાંની વસૂલાત અંગે કાયદાની મહત્‍વપૂર્ણ જોગવાઈઓ

માત્ર ઉધાર ન ચૂકવવાથી ફોજદારી ગુનો બનતો નથીઃ છેતરપિડી અને ચેક બાઉન્‍સના કિસ્‍સામાં થઈ શકે છે જેલની સજા

નવી દિલ્‍હી, તા. ૨૫ : મિત્ર, સગાસંબંધી કે પરિચિત વ્‍યક્‍તિ પાસેથી ઉછીના લીધેલા રૂપિયા સમયસર પરત આપવામાં ન આવે તો શું જેલની સજા થઈ શકે? આ અંગે સામાન્‍ય લોકોમાં અનેક પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે.

કાયદા અનુસાર માત્ર ઉછીના લીધેલા નાણાં પરત કરવામાં નિષ્‍ફળ જવું એ સામાન્‍ય રીતે દીવાની વિવાદનો વિષય છે. આવા કિસ્‍સામાં નાણાં આપનાર વ્‍યક્‍તિ વકીલ મારફતે કાનૂની નોટિસ પાઠવી શકે છે અને અદાલતમાં નાણાંની વસૂલાત માટે દાવો દાખલ કરી શકે છે.

જોકે શરૂઆતથી જ નાણાં પરત નહીં આપવાના બદઇરાદાથી ખોટી માહિતી કે પ્રલોભન આપીને રૂપિયા મેળવ્‍યા હોવાનું પુરવાર થાય તો ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૧૮ હેઠળ છેતરપિડીનો ફોજદારી ગુનો બની શકે છે.

જો દેવાની ચુકવણી માટે આપવામાં આવેલો ચેક બાઉન્‍સ થાય તો નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટની કલમ ૧૩૮ હેઠળ નિર્ધારિત શરતોને આધીન બે વર્ષ સુધીની જેલ, ચેકની રકમથી બમણા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. ચેક બાઉન્‍સની જાણ થયાના ૩૦ દિવસમાં નોટિસ આપવાની અને નોટિસ મળ્‍યાના ૧૫ દિવસમાં ચુકવણી કરવાની જોગવાઈ છે. ઉછીના આપેલા નાણાંની વસૂલાત માટે દાવો કરવાની સમયમર્યાદા સામાન્‍ય રીતે ત્રણ વર્ષની હોય છે. નાણાં આપતી વખતે લેખિત કરાર, બેંક વ્‍યવહાર અને રકમની સ્‍વીકૃતિના પુરાવા સાચવવા હિતાવહ છે.  (

(4:43 PM IST)