<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

દમ હોય તો ૧ રૂપિયાનો ગોટાળો શોધી બતાવો, ૧ લાખ રૂપિયાનું ઇનામ આપીશ

મહિલા ગ્રામ પ્રધાન સંગીતા ચૌધરીએ ભ્રષ્ટાચારમુક્‍ત ગ્રામપંચાયતની એક અનોખી મિસાલ પેશ કરી

શામલી તા.૧: ઉત્તર પ્રદેશના શામલી જિલ્‍લાના અહાતા ગૌસગઢ ગામની મહિલા ગ્રામ પ્રધાન સંગીતા ચૌધરીએ ભ્રષ્ટાચારમુક્‍ત ગ્રામપંચાયતની એક અનોખી મિસાલ પેશ કરી છે. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્‍યાન પાઈ-પાઈનો હિસાબ જાહેર કર્યો છે અને ગામજનોને ખુલ્‍લી ચેલેન્‍જ આપી છે કે એક રૂપિયાનો પણ ગોટાળો થયો છે એવું કોઈ સાબિત કરી આપશે તેને ૧ લાખ રૂપિયાનું ઇનામ મળશે.

સંગીતા ચૌધરીએ કહ્યું છે કે તેમણે વિકાસકાર્યો માટે મળેલા પ્રત્‍યેક રૂપિયાનો ઉપયોગ કર્યો છે અને એ પણ સાચી રીતે. તેમણે પોતાના શાસનકાળ દરમ્‍યાન થયેલા ખર્ચનો પાઈ-પાઈનો હિસાબ રાખ્‍યો છે. ભ્રષ્ટાચારમુક્‍ત શાસન કર્યું હોવાનો દાવો પેશ કરતાં તેમણે દરેક ગામવાળાને પડકાર આપતાં કહ્યું છે, ‘ગ્રામપંચાયતનો પૈસો કોઈ પ્રધાન કે સરપંચનો નથી હોતો, આખા ગામની અમાનત હોય છે. ગામની અમાનત સાચી જગ્‍યાએ વપરાઈ છે એ ચકાસવાનો દરેકને હક છે. જેમને પણ ચકાસણી કરવી હોય એ પંચાયતની ઑફિસે આવી શકે છે. તેમને હું ચા પીવડાવીશ અને તેઓ નિરાંતે હિસાબ ચેક કરી શકે છે. જો એક પણ રૂપિયાની ગરબડ હશે તો હું મારા ખિસ્‍સામાંથી એક લાખ રૂપિયાનું ઇનામ આપીશ.

(10:03 AM IST)