News of Wednesday, 22nd April 2026
જાન લઈને આવ્યા તો સહીસલામત પાછા જશો નહીં: વરરાજાને ધમકાવી પ્રેમીએ ખુદ દુલ્હન સાથે ફેરા ફરી લીધા
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો

બસ્તી,તા.૨૨: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જાન નીકળતા પહેલા વરરાજા બનેલા કોન્સ્ટેબલના ઘરે તેની દુલ્હનનો આશિક આવી ચડ્યો અને ધમકાવતા કહી દીધું કે જાન લઈને જશો તો સલામત પાછા નહીં આવો. પછી તો શું વરરાજો ડરી ગયો અને જાન લઈ જવાનું માંડી વાળ્યું. આ બાજુ દુલ્હનના પરિવારના લોકો જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેમને આખી ઘટનાની ખબર પડી તો તેમણે મનામણા શરૂ કર્યા અને વરરાજાને જાન લઈને નહીં આવવા માટે વિનંતી કરી. ત્યાર બાદ દુલ્હનના પરિવારે મજબૂર થઈને દુલ્હનના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા.
દુબૌલિયા વિસ્તારના પકડી ચૌહાન ગામના જાન મેજર વર્માના લગ્ન બસ્તીના મડવાનગર ગામની મનીષા ચૌધરી સાથે નક્કી થયા હતા. ૨૦ એપ્રિલના રોજ લગ્ન થવાના હતા. વરરાજો જાન લઈ જવા માટે તૈયાર હતો. તે જ સમયે દુલ્હનનો પ્રેમી વરરાજાના ઘરે આવી ચડ્યો અને ધમકી આપતા જણાવ્યું કે જો જાન લઈને જશો તો સહી સલામત પાછા નહીં આવો. આ હરકત જોઈ વરરાજા સહિત ત્યાં હાજર પરિવારના અન્ય સભ્યોએ તેને પકડવાની કોશિશ કરી પણ તે કાર ત્યાં જ મૂકીને ભાગી ગયો. ત્યાર બાદ વરરાજાના પરિવારે તેની સૂચના પોલીસને આપી. થોડી વારમાં પોલીસ આવી પહોંચી અને તપાસ કરી. આ બાજુ ડરના કારણે વરરાજાના પરિવારે જાન લઈ જવાની ના પાડી દીધી.
હાલમાં વરરાજો કોન્સ્ટેબલના પદ પર લખનઉમાં નોકરી કરે છે. લગ્નની તારીખ ૨૦ એપ્રિલ નક્કી કરી હતી. સોમવાર એટલે કે ૨૦ એપ્રિલના રોજ વરરાજો ઘરેથી જાન લઈને નીકળવાની તૈયારીમાં હતો. તમામ સબંધીઓ આવી ગયા હતા. જાન બસ્તી શહેરની હોટલ ગ્રીન વેલીમાંથી નીકળવાની તૈયારીમાં હતી. પણ આ દરમ્યાન સોમવારે બપોરે વરરાજાના ઘરે કાર લઈને દુલ્હનનો આશિક આવી પહોંચ્યો. તેણે ખુદને દુલ્હનનો પ્રેમી ગણાવ્યો અને ધમકી આપતા કહ્યું કે જો જાન લઈ જશો તો સહી સલામત પાછા નહીં આવો. અચાનક આવું બધું જોઈ વરરાજાનો પરિવાર પણ ચોંકી ગયો.
દુબૌલિયા પોલીસ ચોકીના અધ્યક્ષ જીવન ત્રિપાઠીએ પરિવારના આવેદન પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. હાલમાં કોન્સ્ટેબલના પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરાઈ નથી.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
