News of Tuesday, 12th May 2026
જો એક વર્ષ સુધી સોનું ન ખરીદીએ તો ૨૦૨૭માં સોનાનો ભાવ કેટલે પહોંચશે ?
ભારતને દર વર્ષે સોનુ આયાત કરવા માટે વિદેશી કંપનીઓને લાખો કરોડ રૂપિયા ચૂકવવા પડે છે : સરકાર ઈચ્છે છે કે લોકો ડિજિટલ ગોલ્ડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરે, અને સોનાને ઘરમાં ભૌતિક રીતે રાખે નહીં

નવી દિલ્હી તા.૧૨: પ્રધાનમંત્રી મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કરી દેશમાં નવી આર્થિક ચર્ચાને જન્મ આપ્યો છે. ભારત દર વર્ષે ભારે માત્રામાં સોનાની આયાત કરે છે, જેનાથી વિદેશી મુદ્રા ભંડાર અને રુપિયા પર પ્રેશર વધે છે. સરકારનું માનવું છે કે જો લોકો સોનાની જગ્યાએ બેન્ક યોજનાઓ, શેર બજાર અથવા બીજા રોકાણ વિકલ્પો તરફ વળે તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે એક વર્ષ સુધી સોનું ન ખરીદો. ભારત દુનિયાનો સૌથી મોટો સોનાની આયાત કરતો દેશ છે અને તહેવારો તથા લગ્નની સિઝનમાં વિદેશોમાંથી ટનમાં સોનું આવે છે. પરિણામે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઓછો થઈ રહ્યો છે અને રુપિયાની વેલ્યૂ પર પ્રેશર વધે છે. આ પૃષ્ઠભૂમિમાં મોદીએ દેશની આર્થિક તાકાત વધારવા માટે આ પહેલ કરી છે.
ભારતને દર વર્ષે સોનુ આયાત કરવા માટે વિદેશી કંપનીઓને લાખો કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. આ કારણે દેશનું ચલણ ખાતું ખોટમાં જાય છે. સરકારનું માનવું છે કે જો લોકો સોનામાં રોકાણ કરવાની જગ્યાએ બેંક યોજનાઓ કે શેર બજારમાં રોકાણ કરશે તો એ પૈસાનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ શકશે.
જ્યારે આપણે સોનાની ખરીદી ઓછી કરીએ છીએ, ત્યારે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બને છે. બજારમાં ડોલરની માંગ ઘટશે તો રૂપિયાનું અવમૂલ્યન અટકશે અને આયાતી પેટ્રોલ તથા ગેસની કિમતો પણ ઘટશે. તેનો સીધો લાભ સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.
બજારના નિષ્ણાતો કહે છે કે જો ભારતીયો વડાપ્રધાન મોદીની સલાહ માને અને એક વર્ષ માટે સોનાની ખરીદી બંધ કરે તો માંગ ઘટી શકે છે અને કિમતોમાં તાત્કાલિક ઘટાડો આવી શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીએ તો ૨૦૨૭ સુધીમાં ૧૦ ગ્રામ સોનાની કિમત ૮૫,૦૦૦ રૂપિયા થી ૯૫,૦૦૦ રૂપિયા વચ્ચે પહોંચી શકે છે.
સરકાર ઈચ્છે છે કે લોકો ડિજિટલ ગોલ્ડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કરે, અને સોનાને ઘરમાં ભૌતિક રીતે રાખે નહીં. આવું કરવાથી સોનાની આયાત ઘટશે અને ગ્રાહકોને સુરક્ષિત રોકાણ સાથે વાર્ષિક વ્યાજ પણ મળશે. આ દેશ અને રોકાણકાર, બંને માટે લાભદાયી છે.
પીએમ મોદીના આહ્વાનથી જ્વેલર્સમાં ચિંતાનો માહોલ છે. કારણ કે લાખો પરિવારોની રોજગારી લગ્ન અને તહેવારો દરમિયાન સોનાના વેપાર પર આધારિત છે. જોકે, સરકારનું કહેવું છે કે આ માત્ર એક વર્ષ માટેનો તાત્કાલિક નિયમ છે, જે લાંબા ગાળે દેશને આર્થિક રીતે મજબૂત બનાવશે.
૨૦૨૭ સુધીમાં બજારમાં સોનાની સપ્લાય અને માંગનું સંતુલન લોકોના નિર્ણય પર આધાર રાખશે. જો આ એક વર્ષનું 'ગોલ્ડ ફાસ્ટ' સફળ થાય છે તો કોઈ શંકા નથી કે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બની શકે છે. ત્યારે કિમતો જે પણ હોય, ભારતની ખરીદ શક્તિ વધુ હશે.
વડાપ્રધાનનો સંદેશ છે કે સોનાની લાલચ છોડો અને દેશના વિકાસ માટે સાથે આવો. જો તમે એક વર્ષ સુધી સોનુ નહીં ખરીદો તો એ પૈસાનો ઉપયોગ દેશમાં રસ્તા, રેલવે અને શિક્ષણ માટે થઈ શકે છે. ૨૦૨૭માં સોનાની કિમતની ચિતા કરતા, હાલનું મુખ્ય મંત્ર એ છે કે દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે આગળ વધારવી.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
