તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સોલાર પેનલ ધૂળ ખાશે તો વીજળીનું બિલ વધી જશે! ૨૫ વર્ષ સુધી પાવરફુલ પર્ફોર્મન્સ મેળવવા માટે આ રહી સફાઈ કરવાની એકદમ સાચી રીત
બપોરના સમયે ભૂલથી પણ સોલાર પ્લેટ સાફ ન કરો, નહીંતર મોટું નુકસાન નક્કી; દર ૧૫ દિવસે આટલી કાળજી રાખવાથી પેનલ હંમેશા રહેશે નવી જેવી

રાજકોટ : આજના સમયમાં મોંઘી વીજળી અને મોટા બિલથી બચવા માટે મોટાભાગના લોકો પોતાના ઘરની છત પર કે ખેતરોમાં સોલાર પેનલ (Solar Panels) લગાવી રહ્યા છે. સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી મફત વીજળી ઉત્પન્ન કરીને માસિક ખર્ચમાં મોટો ઘટાડો કરે છે અને પર્યાવરણને પણ બચાવે છે. સામાન્ય રીતે આ સોલાર પેનલ ૨૦ થી ૨૫ વર્ષ સુધી આરામથી ચાલે છે, પરંતુ જો તેની સમયસર અને યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો તે માત્ર થોડા જ વર્ષોમાં બગડી શકે છે. અહી નિષ્ણાતો દ્વારા સોલાર પેનલને વર્ષોવર્ષ ચમકતી રાખવા માટેની કેટલીક ખાસ ટીપ્સ શેર કરવામાં આવી છે.
સફાઈ કેમ જરૂરી છે અને શું થાય છે નુકસાન?
સોલાર પેનલ હંમેશા ખુલ્લા આકાશ નીચે બહાર ફિટ કરવામાં આવે છે. આના કારણે તેના પર સતત ધૂળ, માટી, કાદવ અને પક્ષીઓની અગાાર (મળ) જમા થતા રહે છે. માત્ર થોડા જ અઠવાડિયામાં પેનલ પર ગંદકીનો એક મોટો થર જામી જાય છે, જેના લીધે સૂર્યના કિરણો અંદર સુધી પહોંચી શકતા નથી અને પાવર જનરેશન અડધું થઈ જાય છે. જો આ ગંદકી લાંબો સમય સાફ ન થાય તો પેનલ કાયમી ધોરણે ડેમેજ થઈ શકે છે.
સોલાર પેનલ સાફ કરતી વખતે આ ૪ બાબતોનું રાખો ખાસ ધ્યાન:
· ૧. સમયની પસંદગી (સૌથી મહત્વનું): સોલાર પેનલને હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ સાફ કરો. ધોમધખતા તડકામાં પેનલ ખૂબ ગરમ હોય છે, જેના પર ઠંડુ પાણી નાખવાથી ગ્લાસ તૂટી જવાનું અને તમારો હાથ દાઝી જવાનું જોખમ રહે છે. સવારનો સમય સફાઈ માટે બેસ્ટ છે.
· ૨. સોફ્ટ કાપડનો ઉપયોગ: પેનલ સાફ કરવા માટે હંમેશા માઇક્રોફાઇબર ક્લોથ (નરમ કાપડ), સોફ્ટ સ્પોન્જ અથવા એકદમ નરમ બ્રશનો જ ઉપયોગ કરો. ભૂલથી પણ લોખંડના કાચબા (સ્ટીલ સ્ક્રબર) કે હાર્ડ બ્રશ ન ઘસો, નહીંતર પ્લેટ પર સ્ક્રેચ પડી જશે.
· ૩. હઠીલા ડાઘા સાફ કરવાની ટ્રીક: પક્ષીઓનો મળ કે સૂકો કાદવ જામી ગયો હોય તો તેને તીક્ષ્ણ વસ્તુ કે પતરાથી ઉખાડવાનો પ્રયાસ ન કરો. તેના બદલે પહેલા તે ભાગ પર થોડું પાણી છાંટીને પલળવા દો, ત્યારબાદ નરમ કપડાથી હળવા હાથે લૂછી લો.
· ૪. ઊંચાઈ પર સાવધાની: જો સોલાર પેનલ ખૂબ ઊંચી જગ્યાએ કે જોખમી એંગલ પર લગાવેલી હોય તો જાતે સાહસ ન કરવું. કાં તો તેને સુરક્ષિત રીતે નીચે ઉતારીને સાફ કરો અથવા પ્રોફેશનલ ક્લીનર્સની મદદ લો. સામાન્ય રીતે દર ૧૫ દિવસે એકવાર સોલાર પ્લેટ સાફ કરવાથી તેનું પરફોર્મન્સ જબરદસ્ત રહે છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
