<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

GST નંબર વિનાને પણ માલ વેચ્‍યો તો ઈ-ઈનવોઈસ બનાવવું ફરજિયાત

૧ જાન્‍યુઆરીથી નિયમનો અમલ કરવા માટે સત્તાવાર જાહેરનામું બહાર પડાયું : ૧૫ ડિસેમ્‍બરથી જીએસટી પોર્ટલ પર સુવિધા કાર્યરત કરી દેવામાં આવશે

મુંબઈ,તા.૧૯: જીએસટી નંબર વિનાના વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવે અથવા તો વસ્‍તુનું વેચાણ કરવામાં આવે તો તેવા કિસ્‍સામાં વેપારીએ ફરજિયાત જીએસટી પોર્ટલ પરથી ઈ-ઈનવોઈસ બનાવવાનો નિયમ આગામી એક જાન્‍યુઆરીથી અમલમાં આવવાનો છે. તે માટેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્‍યું છે. સાથે સાથે જીએસટી નંબર વિનાના વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવામાં તકલીફ નહીં પડે અને તેને લગતી પૂરતી જાણકારી મળી રહે તે માટે જીએસટી પોર્ટલ પર ૧૫ ડિસેમ્‍બરથી સુવિધા કાર્યરત કરી દેવામાં આવનાર છે.

ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ નેટવર્ક દ્વારા કરદાતાઓ માટે એક મહત્ત્વપૂર્ણ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જે મુજબ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ અનરજિસ્‍ટર્ડ વ્‍યક્‍તિઓ પાસેથી મેળવેલ સ્‍થાનિક સપ્‍લાય અને સર્વિસની આયાત માટે ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી ઈ-ઈન્‍વોઇસિગ ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા ૨૬ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન નં. ૦૪/૨૦૨૬ અને ૦૫/૨૦૨૬-સેન્‍ટ્રલ ટેક્‍સ મુજબ સીજીએસટી નિયમો અને ઈ-ઈનવોઈસ સ્‍કીમામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્‍યા છે. કરદાતાઓ નવી સિસ્‍ટમથી ટેવાય અને ટેકનિકલ તૈયારી કરી શકે તે માટે ૧૫ ડિસેમ્‍બર, ૨૦૨૬થી તમામ છ અધિકૃત ઇનવોઇસ રજિસ્‍ટ્રેશન પોર્ટલ્‍સ પર પ્રોડક્‍શન એન્‍વાયરમેન્‍ટમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. ૧૫થી ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૬ દરમિયાન પાત્ર કરદાતાઓ સ્‍વૈચ્‍છિક રીતે આઈઆરએન જનરેટ કરી શકશે. આ બંને પ્રકારના સપ્‍લાય માટે ફરજિયાત ઈ-ઈનવોઈ સિગનો અમલ ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી જ લાગુ થશે. પ્રોડક્‍શન એન્‍વાયરમેન્‍ટમાં ૧૫ ડિસેમ્‍બર, ૨૦૨૬ કે ત્‍યારબાદની તારીખના દસ્‍તાવેજો જ આઇઆરએન જનરેશન માટે સ્‍વીકારવામાં આવશે. તમામ છ આઇઆરપીના સેન્‍ડબોક્‍સ એન્‍વાયરમેન્‍ટમાં આ સુવિધા પહેલેથી જ ઉપલબ્‍ધ કરાવી દેવામાં આવી છે. ટેસ્‍ટિંગ અને સેમ્‍પલ ડેટા માટે માત્ર સેન્‍ડબોક્‍સનો જ ઉપયોગ કરવા અને પ્રોડક્‍શન એન્‍વાયરમેન્‍ટમાં માત્ર સાચા વ્‍યવહારો જ કરવા સૂચના અપાઈ છે.

(10:25 AM IST)