<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના ૧૦૮ ધારાસભ્‍યો રાજીનામું ધરશે

વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભૂકંપઃ હવે કોર્ટના દ્વાર ખખડાવશે

 

ચેન્નાઈ, તા.૮: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં અત્‍યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્‍યો છે. સુપરસ્‍ટાર વિજયની પાર્ટી ‘'તમિલગા વેટ્રી કઝગમ' એ સીધી ચેતવણી આપી છે કે જો સત્તા ટકાવી રાખવા માટે પરંપરાગત હરીફો DMK અને AIADMK ગઠબંધન કરશે, તો TVK ના તમામ ૧૦૮ ધારાસભ્‍યો તાત્‍કાલિક રાજીનામાં ધરી દેશે. રાજ્‍યપાલ આર.વી. અર્લેકરે વિજયને બહુમતી સાબિત કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતા મામલો ગરમાયો છે. રાજ્‍યપાલે સરકાર બનાવવા માટે ૧૧૮ ધારાસભ્‍યોનો આંકડો માંગ્‍યો છે, જ્‍યારે વિજય પાસે હાલ ૧૦૮ પોતાના અને ૫ કોંગ્રેસના ધારાસભ્‍યોનું સંખ્‍યાબળ છે.

આ રાજકીય ગજગ્રાહ વચ્‍ચે DMK અને AIADMK વચ્‍ચે ‘અકુદરતી' ગઠબંધનની ચર્ચાઓ તેજ બની છે. અંદરખાને એવી રણનીતિ ઘડાઈ રહી છે કે એમ.કે. સ્‍ટાલિન બહારથી ટેકો આપે અને ઈ. પલાનીસ્‍વામી મુખ્‍યમંત્રીની ખુરશી સંભાળે. જો આવું થાય, તો તે રાજ્‍યના ઈતિહાસમાં પ્રથમ વખત બે કટ્ટર વિરોધી પક્ષોનું મિલન હશે. જોકે, વિજયે આને લોકશાહીની હત્‍યા ગણાવી છે અને સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના મતના અપમાન સામે કાયદાકીય લડત લડશે. કમલ હાસન અને VCK ના સમર્થનથી વિજયનું પલ્લું હવે ભારે થઈ રહ્યું છે.

રાજ્‍યમાં સર્જાયેલી આ કટોકટીને કારણે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નાજુક બની છે. એકબાજુ એમ.કે. સ્‍ટાલિનને તમામ નિર્ણયો લેવા માટે પક્ષે સત્તા સોંપી છે, તો બીજીબાજુ વિજયના સમર્થકો રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે. જો TVK ના ૧૦૮ ધારાસભ્‍યો રાજીનામાં આપે તો રાજ્‍યમાં ફરીથી ચૂંટણીના મંડાણ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્‍યપાલ બંધારણીય જોગવાઈઓ હેઠળ સૌથી મોટી પાર્ટીને તક આપે છે કે પછી તમિલનાડુમાં કોઈ નવું જ રાજકીય સમીકરણ રચાશે

(11:27 AM IST)