તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જો બેલેટ પર મારૂ નામ હોત તો અમે ભારે બહુમતીથી જીત્યા હોત
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ ટ્રમ્પે પ્રથમ પ્રતિક્રિયા આપી ડેમોક્રેટસ બહુમતી તરફ આગળ વધતા ટ્રમ્પ પર રાજકીય દબાણ વધ્યું: વિવેક રામાસ્વામી અને સાઉથ કેરોલિનામાં રિપબ્લિકનને મોટો ફટકો

વોશિંગ્ટન, તા.૪: અમેરિકાની ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીના જાહેર થઈ રહેલા ચિંતાજનક પરિણામો અને પ્રારંભિક વલણોએ વોશિંગ્ટનના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ ૪૩૫ બેઠકો, સેનેટની ૩૫ બેઠકો તેમજ ૩૬ રાજ્યોના ગવર્નર પદ માટે યોજાયેલા આ જંગમાં ડેમોક્રેટિક પાર્ટીએ શરૂઆતથી જ મજબૂત સરસાઈ મેળવીને બંને ગળહોમાં રિપબ્લિકન બહુમતીનો અંત લાવવાની દિશામાં કદમ વધારી દીધા છે. પોતાની પાર્ટીના આ નબળા દેખાવ અને મહત્વની બેઠકો ગુમાવવાની સ્થિતિ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા પોતાનો બચાવ કરતા લખ્યું હતું કે, હું આ વખતે મતપત્ર પર નહોતો; જો હું ચૂંટણી લડી રહ્યો હોત, તો અમે ભારે બહુમતી સાથે જીતી ગયા હોત. ટ્રમ્પના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા થઈ રહી છે અને યુઝર્સ તેને હારનો સ્વીકાર કરવાને બદલે પોતાની રાજકીય છબી બચાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
રિપબ્લિકન પાર્ટી માટે સૌથી મોટો અને આંચકાજનક આંચકો ઓહિયો રાજ્યમાંથી આવ્યો છે, જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી અને ભારતીય મૂળના પ્રખ્યાત નેતા વિવેક રામાસ્વામીને ઓહિયોના ગવર્નર પદની રેસમાં ડેમોક્રેટિક ઉમેદવાર ડો.એમી એક્ટન સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય, સાઉથ કેરોલિનાની હાઇ-પ્રોફાઇલ સેનેટ બેઠક પર પણ ડેમોક્રેટિક ઉમેદવાર એની એન્ડ્રુઝે જીત મેળવીને મોટી ઉથલપાથલ સર્જી છે. નોંધનીય છે કે આ બેઠક લગભગ ત્રણ દાયકા સુધી સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ અને રિપબ્લિકન પાર્ટીના ગઢ સમાન રહી હતી, જેને આ વખતે ડેમોક્રેટ્સે આંચકી લીધી છે. વિવેક રામાસ્વામી જેવા મોટા ચહેરાઓની હારથી ટ્રમ્પ કેમ્પમાં ભારે નિરાશા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.કોંગ્રેસના બંને ગળહો પર કંટ્રોલ મેળવવાની ડેમોક્રેટિક પાર્ટીની વ્યુહરચના સફળ થતી દેખાતા જ ટ્રમ્પના બાકીના કાર્યકાળ પર અનેક રાજકીય સંકટો ઘેરાઈ રહ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી સાબિત કરવા ડેમોક્રેટ્સ માત્ર થોડીક બેઠકો દૂર છે, જેનાથી ભવિષ્યમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કોઈ પણ નવો કાયદો પાસ કરાવવો કે બજેટ મંજૂર કરાવવું અત્યંત મુશ્કેલ બની જશે. યુએસ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જનતામાં વધતી જતી મોંઘવારી, વિદેશી નીતિઓ અને વધતા આર્થિક બોજને કારણે રિપબ્લિકન પાર્ટી પ્રત્યે મતદાતાઓનો અસંતોષ પરિણામોમાં સ્પષ્ટપણે બહાર આવ્યો છે, જેણે ટ્રમ્પના બીજા કાર્યકાળની રાજકીય પકડને ભારે આંચકો આપ્યો છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
