તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
અમેરિકા સમજી લ્યે, અમે શરણાગતિ સ્વીકારવાને બદલે હસતા મુખે મોતને ભેટવા તૈયાર છીએ: ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફની અમેરિકાને ખુલ્લી ચેતવણી: નૌકા નાકાબંધી, આર્થિક દબાણ અને મીડિયા પ્રોપેગેન્ડા થકી ઈરાનમાં આંતરિક બળવો કરાવવાની અને દેશને અંદરથી તોડવાની દુશ્મનોની કોઈ પણ ચાલ અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ.
ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ હથિયાર મેળવતું અટકાવવા હું અમેરિકન શેરબજારમાં ૨૫ ટકાના મહાકડાકાને સહન કરવા પણ તૈયાર હતો: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બેબાક ખુલાસો: ક્રૂડ ઓઈલ ૩૦૦ ડોલરે પહોંચવાની તમામ આગાહીઓને ખોટી પાડીને મેં દુનિયાને બતાવી દીધું છે, અમેરિકાની તાકાત અકબંધ છે : અમેરિકાના આર્થિક પ્રતિબંધો હળવા થશે અને ઈરાન ૧૫ વર્ષ સુધી યુરેનિયમનું સંવર્ધન અટકાવશે: શાંતિ માટે ૧૪ મુદ્દાના ઐતિહાસિક ડ્રાફ્ટ પર બંને દેશો વચ્ચે મંથન: ન્યુક્લિયર સાઇટ્સ પર કડક નિરીક્ષણ અને હોર્મુઝ પર દેખરેખના મુદ્દે હજુ પણ ખેંચતાણ યથાવત, યુદ્ધ રોકવા પડદા પાછળના ધમધમાટ ચરમસીમાએ

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની મધ્યસ્થીથી ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાની કવાયત તેજ બની છે. આ માટે ૧૪ મુદ્દાઓનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ-બાઘેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે દુશ્મન દેશ નૌકા નાકાબંધી અને આર્થિક દબાણથી ઈરાનને અંદરથી તોડવા માંગે છે, પરંતુ ઈરાન શરણાગતિ સ્વીકારવાને બદલે મરવાનું પસંદ કરશે. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુંકાર કરતા જણાવ્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટે તેઓ અમેરિકન શેરબજારમાં ૨૫% ના કડાકાને સહન કરવા પણ તૈયાર હતા.
અલ જઝીરા, સીએનએન, ફોક્સ ન્યૂઝ, બીબીસી અને સીનીબીસી સહિતના આંતરરાષ્ટ્રીય મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે મધ્યસ્થીઓ મારફતે (ખાસ કરીને પાકિસ્તાન દ્વારા) એક મહિનાના લાંબા શાંતિ માળખાને સ્થાપિત કરવા માટે એક પેજના ૧૪-મુદ્દાના મેમોરેન્ડમ (ડ્રાફ્ટ) પર વાટાઘાટો ચાલી રહી છે. આવતા સપ્તાહે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આ અંગે વધુ ચર્ચાઓ શરૂ થઈ શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ ડ્રાફ્ટમાં એવી જોગવાઈઓ છે કે મંત્રણાના સમયગાળા દરમિયાન અમેરિકા ઈરાની બંદરો પરની તેની નાકાબંધી હળવી કરશે અને તેની સામે ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રતિબંધો ઘટાડશે. જોકે, હજુ પણ કેટલાક મુખ્ય મુદ્દાઓ વણઉકેલ્યા છે, જેમ કે યુરેનિયમ સંવર્ધન રોકવાનો સમયગાળો, ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમનો જથ્થો વિદેશ મોકલવો, આર્થિક પ્રતિબંધોમાં રાહત અને હોર્મુઝ પર દેખરેખ રાખવા માટે ઈરાનની કાયમી ભૂમિકાની માંગ. એક પ્રસ્તાવ મુજબ ઈરાન ૧૨ થી ૧૫ વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધન અટકાવશે અને ત્યારબાદ જ તેને ૩.૬૭% સુધીના સંવર્ધનની મંજૂરી મળશે. આ માળખામાં કડક નિરીક્ષણ અને ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ પર મર્યાદાઓ પણ સામેલ છે. તાજેતરમાં જ ઈરાની ન્યૂઝ આઉટલેટ્સના જણાવ્યા મુજબ, શાંતિ મંત્રણાને આગળ વધારવા માટે અમેરિકાએ હોર્મુઝમાં માર્ગ મોકળો કરવા માટેનો પોતાનો કાર્યક્રમ 'પ્રોજેક્ટ ફ્રીડમ' કામચલાઉ ધોરણે સ્થગિત કર્યો છે.
*અમેરિકા ઈરાનને અંદરથી તોડવા માંગે છે: સ્પીકર ગાલિબાફ:* આ વૈશ્વિક હલચલ વચ્ચે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ-બાઘેર ગાલિબાફે આક્રમક નિવેદન આપતા જણાવ્યું છે કે, "દુશ્મનો નૌકા નાકાબંધીના નવા પ્લાન સાથે આર્થિક દબાણ અને મીડિયા પ્રોપેગેન્ડા દ્વારા દેશની એકતાને નષ્ટ કરવા અને અમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરવા માંગે છે. અમે લશ્કરી કે આતંકવાદી હુમલાની શક્યતાને નકારતા નથી, પરંતુ દુશ્મનનો મુખ્ય હેતુ ઈરાનને અંદરથી નબળું પાડવાનો છે. દુશ્મનોએ ફરીથી ખોટા અહેવાલોના આધારે ખોટા નિર્ણયો લીધા છે જેનાથી સૌને મુશ્કેલી પડશે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ યુદ્ધમાં અંતિમ વિજય ઈરાનને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં એક પ્રભાવશાળી ખેલાડી બનાવશે અને આ દેશની ભૌતિક તથા આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત હશે. સ્વાભાવિક છે કે આવી મોટી સિદ્ધિ મેળવવામાં મુશ્કેલીઓ તો આવશે જ. મને આશ્ચર્ય છે કે દુશ્મનો હજુ એ સમજી શક્યા નથી કે અમે હાર માનવા કરતાં મરવા માટે વધુ તૈયાર છીએ."
*શેરબજાર પડે તો પણ ઈરાનને પરમાણુ હથિયાર નહિ મળવા દઉં: ડોનાલ્ડ ટ્રમ્પ:* બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'પીબીએસ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, "તેઓ (ટીકાકારો) વિચારતા હતા કે શેરબજાર ઓછામાં ઓછું ૨૫% જેટલું નીચે જશે. હું તેના માટે પણ તૈયાર હતો કારણ કે આર્થિક નુકસાન વેઠીને પણ ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું અત્યંત જરૂરી છે. ઘણા લોકોએ એવી આગાહી કરી હતી કે શેરબજાર ૨૫% થી વધુ તૂટશે અને ક્રૂડ ઓઈલનો ભાવ ૩૦૦ ડોલર થઈ જશે. પરંતુ જુઓ, ઓઇલ અત્યારે ક્યાં છે? ૧૦૦ ડોલર કે તેનાથી પણ નીચે છે. મારા સિવાય બધાની આગાહીઓ ખોટી પડી છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય, તેના માટે આ બધું યોગ્ય છે."
આમ, એક તરફ ઇસ્લામાબાદમાં પડદા પાછળ શાંતિ માટે મંત્રણાનો દૌર ચાલી રહ્યો છે, તો બીજી તરફ બંને દેશોના નેતાઓ પોતાના કડક અને બાંધછોડ ન કરવાના વલણ પર કાયમ છે. આગામી દિવસોમાં આ મંત્રણાઓ વિશ્વના રાજકારણની દિશા નક્કી કરશે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
