તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં: કૅનેડિયન ફેરફેક્સ કંપની રેસમાં સૌથી આગળ
₹૫૩,૦૦૦ કરોડના મૂલ્યાંકન સાથે સરકાર અને LIC નો ૬૦.૭૨% હિસ્સો વેચવાની તૈયારી : ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત શક્ય

નવી દિલ્હી: IDBI બેંકના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) સંયુક્ત રીતે બેંકમાં રહેલો તેમનો ૬૦.૭૨% હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૧થી ચાલી રહેલી આ પ્રક્રિયા નિયમનકારી મંજૂરીઓ અને બોલીઓની અડચણો બાદ હવે નિર્ણયના આરે પહોંચી છે. કૅનેડાના ભારતીય મૂળના ઉદ્યોગપતિ પ્રેમ વત્સાની માલિકીની 'ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ' આ બેંકને હસ્તગત કરવાની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે.
શરૂઆતમાં બોલીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા અનામત ભાવ કરતાં ઓછી હોવાથી સોદામાં વિલંબ થયો હતો. ત્યારબાદ બોલી લગાવનારાઓને દરખાસ્તમાં સુધારો કરવાની તક આપવામાં આવી હતી. અહેવાલો મુજબ, ફેરફેક્સે પ્રતિ શેર આશરે ₹૮૧ના અંદાજિત ભાવ સાથે તેની ઓફરમાં સુધારો કર્યો છે, જેના આધારે ૬૦.૭૨% હિસ્સાનું કુલ મૂલ્યાંકન આશરે ₹૫૩,૦૦૦ કરોડ થાય છે. સરકાર હાલમાં આ સુધારેલા પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી રહી છે અને તમામ પાસાઓની ચકાસણી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં યોગ્ય સમયે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સરકાર દ્વારા પ્રસ્તાવ બેંકના વાજબી મૂલ્યાંકન સાથે સુસંગત છે કે નહીં તેની આખરી સમીક્ષા થઈ રહી છે, જેના પછી આ બહુચર્ચિત ખાનગીકરણ પર સત્તાવાર મહોર લાગશે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
