તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
પુતિન અને નેતન્યાહૂ સામે વોરંટ જારી કરનાર ICC ના મુખ્ય પ્રોસિક્યુટર કરીમ ખાનની હકાલપટ્ટી: જાતીય ગેરવર્તણૂકના આક્ષેપો બાદ લેવાયો ધડાકેદાર નિર્ણય!
સંયુક્ત રાષ્ટ્રમાં ગુપ્ત મતદાન દ્વારા કરીમ ખાનને પદભ્રષ્ટ કરાયા: બ્રિટિશ બેરિસ્ટરે તમામ આરોપો નકારી નિર્ણયને અદાલતમાં પડકારવાની આપી ચીમકી

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ જેવા વૈશ્વિક નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી કરાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સળવળાટ મચાવનાર આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) ના મુખ્ય ફરિયાદી કરીમ ખાનને નામોશીભરી રીતે પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મુખ્યાલયમાં યોજાયેલી 'એસેમ્બલી ઓફ સ્ટેટ્સ પાર્ટીઝ' ની ખાસ બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરીમ ખાન સામે જાતીય ગેરવર્તણૂક અને ગંભીર ગેરરીતિના આરોપો હેઠળ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ICC ના ૧૨૫ સભ્ય દેશોમાંથી ૮૨ દેશોએ રોમ કાયદાની કલમ ૪૬ હેઠળ કરીમ ખાનને પદભ્રષ્ટ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. કરીમ ખાન પર ICC માં જ કામ કરતી એક જુનિયર મહિલા વકીલ સાથે બળજબરીપૂર્વક અયોગ્ય શારીરિક સંબંધો બાંધવાનો અને હોદ્દાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ થયો હતો. આ વિવાદ બાદ તેઓ મે ૨૦૨૫ થી રજા પર ઉતારી દેવાયા હતા અને જૂન ૨૦૨૬ માં તેમને સસ્પેન્ડ કરીને મામલો સમગ્ર એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જોકે, બ્રિટિશ મૂળના વકીલ કરીમ ખાને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેમના લીગલ કાઉન્સિલ તૈયબ અલીએ આ આદેશને કાનૂની રીતે પડકારવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કરીમ ખાને જૂન ૨૦૨૧ માં ૯ વર્ષના કાર્યકાળ માટે ICC ના ત્રીજા ચિફ પ્રોસિક્યુટર તરીકે પદ સંભાળ્યું હતું. યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને બાદમાં ગાઝા સંઘર્ષ મામલે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ, ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ તેમજ હમાસના નેતાઓ સામે વોરંટ મેળવીને તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે તેમની હકાલપટ્ટી બાદ ICC ના નવા પ્રોસિક્યુટરની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં નવી નિમણૂક ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
