તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ICC દ્વારા ૨૦૨૭ ODI વર્લ્ડ કપના પૂર્ણ કાર્યક્રમની જાહેરાત : ૨ ઓક્ટોબરથી શંખનાદ થશે અને ૨૧ નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે ભવ્ય ફાઈનલ : જુઓ સંપૂર્ણ શેડયૂઅલ
સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં ૧૪ ટીમો વચ્ચે ૧૨ શહેરોમાં ખેલાશે કુલ ૫૭ મુકાબલા : ૧૦ ઓક્ટોબર ૨૦૨૭ એ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ગુરુવારે ૨૦૨૭ના વન-ડે (ODI) ક્રિકેટ વર્લ્ડ કપના સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિશ્વ ક્રિકેટનો આ મહાકુંભ ૨ ઓક્ટોબર ૨૦૨૭થી શરૂ થશે અને ૨૧ નવેમ્બર ૨૦૨૭ના રોજ ફાઈનલ મેચ સાથે પૂર્ણ થશે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાની હેઠળ આયોજિત થનારા આ ટૂર્નામેન્ટમાં ૨૪ વર્ષ બાદ સાઉથ આફ્રિકાની ધરતી પર વર્લ્ડ કપની મેચો રમાશે.
ટૂર્નામેન્ટનું આયોજન અને મેદાન:
આગામી વર્લ્ડ કપમાં કુલ ૧૪ ટીમો ભાગ લેશે અને ત્રણ દેશોના ૧૨ શહેરોમાં આવેલા સ્ટેડિયમોમાં કુલ ૫૭ મેચો રમાડવામાં આવશે. સાઉથ આફ્રિકાના ૮ શહેરો (કેપ ટાઉન, પાર્લ, જોહાનિસબર્ગ, ત્શવાને, બ્લોમફોન્ટેન, ડરબન, કુગોમ્પો સિટી અને ગકેબરહા)માં સૌથી વધુ મેચો યોજાશે. ઝિમ્બાબ્વેના ત્રણ સેન્ટર (હરારે, બુલાવાયો અને વિક્ટોરિયા ફોલ્સ સ્થિત મોસી-ઓઆ-તુન્યા સ્ટેડિયમ) તથા નામિબિયાની રાજધાની વિન્ડહોક ખાતે સુપર સીરીઝ અને ગ્રુપ સ્ટેજની મેચોનું આયોજન કરાયું છે.
ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ટક્કર પર સૌની નજર:
વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાઉથ આફ્રિકાના ઐતિહાસિક જોહાનિસબર્ગ સ્ટેડિયમ ખાતે ખેલાશે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ (ગ્રુપ-એ) માં રાખવામાં આવ્યા હોવાથી બંને દેશો વચ્ચે ટૂર્નામેન્ટમાં આગળના તબક્કામાં પણ મેચો યોજાવાની શક્યતા છે. જો બંને ટીમો ક્વોલિફાય કરશે તો સુપર-૭ સ્ટેજમાં ૭ નવેમ્બરના રોજ કેપ ટાઉન ખાતે પણ ભારત અને પાકિસ્તાન ફરી સામસામે ટકરાશે.
ગ્રુપ વિભાજન અને ભારતના મુકાબલા:
ટૂર્નામેન્ટમાં ૧૪ ટીમોને બે મુખ્ય ગ્રુપમાં વહેંચવામાં આવી છે:
• ગ્રુપ-એ: ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-૧. (ભારત પોતાની પ્રથમ મેચ ૭ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપ ટાઉનમાં રમશે. ત્યારબાદ ૧૪ ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ત્શવાનેમાં, ૧૭ ઓક્ટોબરે ક્વોલિફાયર-એ સામે બ્લોમફોન્ટેનમાં અને ૨૪ ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે વિક્ટોરિયા ફોલ્સમાં ટકરાશે.)
• ગ્રુપ-બી: સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-૨.
નવીન ફોર્મેટ અને સુપર-૭ તબક્કો:
૨૦૨૩ના રાઉન્ડ રોબિન ફોર્મેટથી અલગ આ વખતે આઈસીસીએ નવું ફોર્મેટ અમલી બનાવ્યું છે. ૨ ઓક્ટોબરથી વિન્ડહોકમાં સુપર સીરીઝ રમાશે, જેમાં ક્વોલિફાયર ટીમો ભાગ લેશે. ગ્રુપ સ્ટેજ પૂર્ણ થયા બાદ બંને ગ્રુપની ટોપ-૩ ટીમો અને બંને ગ્રુપમાં ચોથા ક્રમે રહેલી ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક એમ કુલ ૭ ટીમો 'સુપર-૭' તબક્કામાં પ્રવેશશે. સુપર-૭ તબક્કામાંથી ટોચની ૪ ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમિફાઇનલ ૧૭ નવેમ્બરે કેપ ટાઉનમાં, બીજી સેમિફાઇનલ ૧૮ નવેમ્બરે ત્શવાનેમાં અને મહાકુંભની ફાઇનલ ૨૧ નવેમ્બરે જોહાનિસબર્ગ ખાતે રમાશે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
