News of Wednesday, 9th September 2026
મધ્યપ્રદેશના વિદિશામાં ADM તરીકે ફરજ બજાવતા IAS અધિકારી અનિલ ડામોરનું હાર્ટએટેકથી આકસ્મિક નિધન
સરકારી બંગલાના બાથરૂમમાં બેભાન થયા બાદ હાર્ટ એટેકથી નિધન થયું:ભોપાલ બદલી થતાં તેઓ સામાન પેક કરવા વિદિશા આવ્યા હતા.

મધ્યપ્રદેશના વિદિશા ખાતેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિદિશામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ - એડીએમ) તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય આઈએએસ અધિકારી અનિલ ડામોરનું હાર્ટ એટેક આવવાને કારણે અકાળે અવસાન થયું છે. તેઓ વર્ષ 2019 બેચના સક્ષમ IAS અધિકારી હતા. તેઓ પોતાના સરકારી આવાસના બાથરૂમમાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા.
ઘટના બાદ સહકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ તેમને તાત્કાલિક સારવાર અર્થે વિદિશા મેડિકલ કોલેજ ખાતે લઈ ગયા હતા. મેડિકલ પ્રભારી ડો. શુભમ જૈનના જણાવ્યા અનુસાર સવારે 8:25 વાગ્યે જ્યારે અનિલ ડામોરને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ બંધ હતી અને હૃદયના ધબકારા પણ થંભી ગયા હતા. તબીબોની વિશેષ ટીમે તેમને સીપીઆર (CPR) આપીને પુનર્જીવિત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતાં આખરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ અનિલ ડામોરની બદલી ભોપાલ ખાતે પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરીના પદ પર કરવામાં આવી હતી. તેમણે ભોપાલ ખાતે પોતાની નવી પોસ્ટિંગ પર જોઈનિંગ પણ કરી લીધું હતું. ત્યારબાદ વિદિશા ખાતેના સરકારી બંગલામાંથી સામાન સમેટી ભોપાલ શિફ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ રાત્રિ રોકાણ માટે વિદિશા આવ્યા હતા અને સવારે અચાનક આ કરુણ દુર્ઘટના ઘટી ગઈ હતી.
માત્ર 45 વર્ષની યુવાન વયે એક નિષ્ઠાવાન IAS અધિકારીના આકસ્મિક નિધનથી સમગ્ર મધ્યપ્રદેશના વહીવટી તંત્રમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરુણ સમાચાર મળતાં જ જિલ્લા કલેક્ટર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ વિદિશા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
