<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

"હું સાચો માણસ ખોટી પાર્ટીમાં હતો" - રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો : હરભજનસિંહ સહિત ૭ સાંસદો ભાજપમાં જોડાશે તેવા દાવાથી રાજકારણ ગરમાયું

ભ્રષ્ટાચારના મુદ્દે જૂની પાર્ટી પર પ્રહારો કરતા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ કેસરીયો ધારણ કરશે : દિલ્હી-પંજાબના રાજકારણમાં મોટા ઉલટફેરથી કેજરીવાલને જોરદાર આંચકો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) માટે અત્યાર સુધીની સૌથી મોટી રાજકીય મુસીબત ઊભી થઈ છે. પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. રાઘવ ચઢ્ઢાની સાથે અન્ય બે સાંસદો સંદીપ પાઠક અને અશોક મિત્તલ પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. આ ત્રણેય નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયની વિગતો જાહેર કરી હતી. રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સહાની અને રાજેન્દ્ર ગુપ્તાએ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે.

ભ્રષ્ટાચારના આરોપો સાથે આકરા પ્રહારો:
પાર્ટી પર આકરા પ્રહારો કરતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, જે પાર્ટીની સ્થાપના ભ્રષ્ટાચાર મુક્ત ભારતના સંકલ્પ સાથે થઈ હતી, તે આજે પોતે જ ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ગઈ છે. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની કારકિર્દી છોડીને તેઓ આ પાર્ટીના સ્થાપક સભ્ય બન્યા હતા, પરંતુ આજે પાર્ટી પોતાના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. કટ્ટર દેશભક્તો અને સેવાના ભાવ સાથે જોડાયેલા લોકો હવે દુખી થઈને એક પછી એક 'આપ'નો સાથ છોડી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ:
ભાજપમાં જોડાવાના નિર્ણય અંગે રાઘવ ચઢ્ઢાએ પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું, “હું એક સાચો માણસ હતો જે ખોટી પાર્ટીમાં ફસાયેલો હતો. છેલ્લા ૧૨ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે એવા સાહસિક નિર્ણયો લીધા છે, જે લેતા અન્ય પાર્ટીઓ ડરતી હતી. આ નેતૃત્વ પર દેશની જનતાએ સતત ત્રણ વાર અટૂટ ભરોસો મૂક્યો છે.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મોદી સરકારની નીતિઓ અને વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને આ પગલું ભરી રહ્યા છે.

રાજકીય ભૂકંપ સમાન ઘટનાક્રમ:
દિલ્હી અને પંજાબના રાજકારણમાં આ ઘટનાક્રમને એક મોટા ભૂકંપ સમાન જોવામાં આવી રહ્યો છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ અરવિંદ કેજરીવાલના અત્યંત નજીકના સાથી અને પાર્ટીની રણનીતિના મુખ્ય સ્તંભ ગણાતા હતા. આ ત્રણેય અને અન્ય સાંસદોના પક્ષપલટાથી રાજ્યસભામાં આમ આદમી પાર્ટીની સ્થિતિ નોંધપાત્ર રીતે નબળી પડશે. એકસાથે ૭ સાંસદોના ભાજપમાં જોડાવાના દાવાએ રાષ્ટ્રીય સ્તરે રાજકીય ચર્ચાઓ જગાવી છે.

 

(4:02 PM IST)