તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
"હુમલાના સમાચાર સાંભળી હું સાવ ભાંગી પડી હતી...": ૧૭૪ જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના પત્ની સોનલ મચ્છરની લાગણીસભર પ્રતિક્રિયા
"મિત્રો, પરિવાર અને ભારતીય અધિકારીઓના સપોર્ટથી હિંમત મળી": હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પતિ સ્મિતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા પત્ની સોનલ

મુંબઈ, તા.02: ફ્લાયદુબઈની ફ્લાઈટમાં અચાનક સર્જાયેલી ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોતાની જાબાંઝી અને અદ્ભુત હિંમતથી ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર હાલ સમગ્ર દેશમાં હીરો બની ગયા છે. ચારેય બાજુથી તેમના પર અભિનંદન અને પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે આ ભયાનક ઘટના બાદ પહેલીવાર કેપ્ટન સ્મિત મચ્છરના પત્ની સોનલ મચ્છરની લાગણીસભર પ્રતિક્રિયા સામે આવી છે. પતિ પર થયેલાં જીવલેણ હુમલાની ક્ષણોને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે હું સાવ ભાંગી પડી હતી.
"સ્તબ્ધ થઈ ગઈ હતી, રિએક્ટ કરવાની પણ ક્ષમતા નહોતી"
એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સોનલ મચ્છરે પોતાના દિલનો અવાજ રજૂ કરતાં જણાવ્યું હતું કે, "શરૂઆતમાં આ સમાચાર સાંભળીને હું આઘાતમાં સરી પડી હતી. મને સમજાતું જ નહોતું કે આ પરિસ્થિતિમાં કઈ રીતે રિએક્ટ કરું. પરંતુ આ અત્યંત મુશ્કેલ સમયમાં મિત્રો અને પરિવારજનો મારી સાથે ખડેપગે રહ્યા, જેના કારણે જ હું ટકી શકી." સોનલે ઉમેર્યું કે તેઓ સતત સ્મિતના હેલ્થ અપડેટ્સ મેળવી રહ્યા હતા અને પોતાની જાતને ધીરે ધીરે સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પરિવાર સાથે કરી ખાસ મુલાકાત
કેપ્ટન સ્મિતની જાબાંઝી બાદ રાજકીય અને પ્રશાસનિક સ્તરેથી પણ પરિવારને પૂરો સહયોગ મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે કેપ્ટન સ્મિતના પરિવારજનો (કાકા અને કાકી) સાથે ખાસ મુલાકાત યોજી હતી અને તેમની તબિયત વિશે વિગતવાર પૂછપરછ કરી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
"સ્મિતને જોયા પછી જ જીવમાં જીવ આવ્યો"
સોનલ મચ્છરે આગળ ભાવુક થતાં જણાવ્યું કે, "પરિવારના સપોર્ટ અને ભારતીય અધિકારીઓ દ્વારા સતત મળતી સાચી માહિતીને કારણે મારો ડર ધીમે ધીમે ઓછો થયો. જ્યારે મને ખબર પડી કે સ્મિતની સ્થિતિ હવે સ્ટેબલ છે ત્યારે મને મોટોકારો આશકારો મળ્યો. અને જ્યારે મેં જાતે હોસ્પિટલમાં સ્મિતને જોયા ત્યારે જ મને ખાતરી થઈ કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે." હાલમાં સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર પરિવાર તેઓ વહેલી તકે પૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
