News of Monday, 16th November 2026
હું કદાચ જેલમાંથી જીવતો પાછો નહીં આવું : અદિયાલા જેલમાંથી ઈમરાન ખાનનો હચમચાવી દેતો પત્ર : સુપ્રીમ કોર્ટના જજોને કરી ભાવુક અપીલ
22 કલાકની એકાંત કેદ, 193 સુધી પહોંચેલું બ્લડ પ્રેશર અને જમણી આંખની 85% દ્રષ્ટિ ગુમાવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાને વ્યક્ત કરી બ્રેઈન હેમરેજ અને કાર્ડિયાક અરેસ્ટની આશંકા : પત્ની બુશરા બીબીની આંખોની રોશની પર પણ તોળાઈ રહ્યો છે કાયમી અંધાપાનો ખતરો

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની રાજનીતિમાં ભારે ખળભળાટ મચાવી દે તેવા એક ઘટનાક્રમમાં, રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક ઈમરાન ખાને દેશની ટોચની અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને એક અત્યંત ભાવુક અને હચમચાવી દેતો ખુલ્લો પત્ર લખ્યો છે. સોમવાર, 16 નવેમ્બરના રોજ તેમના વકીલ બેરિસ્ટર સલમાન સફદર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેર કરાયેલા આ પત્રમાં 74 વર્ષીય ઈમરાન ખાને ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે જેલની અસહ્ય યાતનાઓ અને સારવારના અભાવે તેઓ કદાચ જેલમાંથી જીવતા બહાર નહીં આવી શકે. ઈમરાને પોતાની વ્યથા ઠાલવતા લખ્યું કે, "મેં મારું આખું જીવન ગરીબોની મફત સારવાર માટે હોસ્પિટલો બનાવવામાં સમર્પિત કરી દીધું, અને આજે હું માત્ર મારા અને મારી પત્નીના જીવ બચાવવા માટે યોગ્ય તબીબી સારવારની ભીખ માંગી રહ્યો છું."
ઈમરાન ખાને ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ (FCC), સુપ્રીમ કોર્ટ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધીને જેલ પ્રશાસનની કથિત અમાનવીય નીતિઓનો પર્દાફાશ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને દિવસના 22 કલાક અંધારી એકાંત કેદમાં રાખવામાં આવે છે, જ્યાં ન તો પરિવાર કે વિદેશમાં રહેતા પુત્રો સાથે વાત કરવા દેવાય છે, કે ન તો વાંચવા માટે પુસ્તકો કે ટેલિવિઝનની સુવિધા અપાય છે. આ માનસિક ત્રાસને કારણે તેમનું બ્લડ પ્રેશર 130 થી વધીને 193 જેટલા જીવલેણ સ્તરે પહોંચી ગયું છે, જેનાથી ડોક્ટરોએ મગજમાં રક્તસ્રાવ (બ્રેઈન હેમરેજ) અને હૃદયરોગના હુમલાની ચેતવણી આપી છે. વધુમાં, તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે યોગ્ય સમયે સારવાર ન મળતા તેમની જમણી આંખની 85 ટકા દ્રષ્ટિ નષ્ટ થઈ ચૂકી છે, જેની જાણ તેમના પરિવારને પણ કરવામાં આવી ન હતી.
બીજી તરફ, ઈમરાન ખાને જેલમાં બંધ તેમની પત્ની બુશરા બીબીની નાજુક હાલત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં આંખની સર્જરી કરાવ્યા બાદ બુશરા બીબીને પૂરતો આરામ આપવાને બદલે ફરી એકાંત કેદમાં ધકેલી દેવાતા હાલ તેઓ પ્રકાશ પણ સહન કરી શકતા નથી અને જો તાત્કાલિક બીજી સર્જરી નહીં થાય તો તેઓ કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી શકે છે. ઈમરાને અદાલતને યાદ અપાવ્યું કે 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે તેમને શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર અને જેલ તંત્ર દ્વારા તેનો સરેઆમ અનાદર કરવામાં આવ્યો છે. અંતમાં તેમણે ન્યાયતંત્ર પાસે કોઈ વિશેષ છૂટછાટને બદલે માત્ર અગાઉના આદેશોનો અમલ કરાવી તેમનો જીવ બચાવવાની અંતિમ ગુહાર લગાવી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
