તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
‘મિત્રો પસંદ કરવામાં મારાથી ભૂલ થઈ ગઈ’: અબજોપતિ વોરેન બફેટે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને દાન આપવાનું બંધ કર્યું; 2 દાયકામાં પહેલીવાર લીધો આકરો નિર્ણય
એપસ્ટીન વિવાદ અને બિલ ગેટ્સ સાથેના વણસેલા સંબંધો વચ્ચે 95 વર્ષીય દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે વાર્ષિક કરોડો ડોલરના શેરનું દાન પોતાના પરિવારની ચાર સંસ્થાઓ તરફ વાળ્યું

ન્યૂયોર્ક, તા. 16: વૈશ્વિક શેરબજારના માંધાતા અને બર્કશાયર હેથવે (Berkshire Hathaway) ના ચેરમેન વોરેન બફેટે બે દાયકામાં પહેલીવાર એક ચોંકાવનારો નિર્ણય લઈને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને તેમના વાર્ષિક સખાવતી દાનમાંથી બાકાત રાખ્યું છે. 95 વર્ષીય બફેટે આ વર્ષે તેમના અબજો રૂપિયાના મૂલ્યના શેર ગેટ્સ ફાઉન્ડેશનને આપવાને બદલે પોતાના પરિવાર સંચાલિત ચાર ટ્રસ્ટોને આપવાનો નિર્ણય કર્યો છે. બિલ ગેટ્સના વિવાદાસ્પદ સેક્સ ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથેના સંબંધોની તપાસ હજી ચાલી રહી હોવાથી બફેટે આ મોટું પગલું ભર્યું હોવાનું મનાય છે.
ન્યૂઝ ચેનલ CNBC ને આપેલા એક ઈન્ટરવ્યુમાં વોરેન બફેટે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, "મેં ૧ જાન્યુઆરીથી બિલ ગેટ્સ અને જેફ્રી એપસ્ટીન વચ્ચે શું બન્યું હતું તે વિશે ઘણું વાંચ્યું છે. આ બધું ખૂબ જ અણગમતું છે અને ગેટ્સથી ભૂલો થઈ છે. જોકે, ભૂલો મારાથી પણ થઈ છે. મેં ભૂતકાળમાં એવા લોકોની ભરતી કરી અથવા એવા મિત્રો પસંદ કર્યા, જેના વિશે પછીથી ખબર પડી કે તેઓ જે દેખાતા હતા તેવા વાસ્તવમાં નહોતા." બફેટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આ વિવાદનો સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી બિલ ગેટ્સ સાથે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી.
કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, બફેટ બર્કશાયર હેથવેના 9 મિલિયન 'ક્લાસ B' શેર સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનને આપશે, જ્યારે શેરવુડ ફાઉન્ડેશન, હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશનને 1-1 મિલિયન શેરનું દાન કરશે. વર્ષ 2006થી ગેટ્સ ફાઉન્ડેશન બફેટના દાનનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે અને અત્યાર સુધીમાં તેને 47 અબજ ડોલર (આશરે ₹3.9 લાખ કરોડથી વધુ) નું દાન મળી ચૂક્યું છે. બફેટે વર્ષ 2006માં ગેટ્સ દંપતીને એક પત્ર લખીને આજીવન દાન આપવાનું 'અફર વચન' આપ્યું હતું, જે પ્રતિબદ્ધતાનો હવે અંત આવ્યો છે. બફેટે ઉમેર્યું કે તેમનું લક્ષ્ય આગામી આઠ વર્ષમાં એટલે કે 31 ડિસેમ્બર, 2034 સુધીમાં તેમના તમામ શેરની સખાવતી વહેંચણી પૂર્ણ કરવાનું છે, જે જવાબદારી હવે તેમના સંતાનો સંભાળશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
