<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

"મેં પોતે પદ છોડ્યું છે, હવે થોડો આરામ જોઈએ છે": રાહુલ ગાંધીને મળ્યા બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ રાજા વારિંગ ભાવુક, રાજીનામું સુપરત કર્યું

દિલ્હીના ૧૦ જનપથ ખાતે ૧ કલાક ચાલેલી બેઠક બાદ મોટા ફેરબદલના એંધાણ: નવા પ્રદેશ પ્રમુખની રેસમાં વિજય ઇન્દર સિંગલા સૌથી આગળ

ચંદીગઢ, તા.02: પંજાબ કોંગ્રેસના રાજકારણમાં આજે એક મોટો ધડાકો થયો છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વારિંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે નવી દિલ્હી ખાતે આવેલા ૧૦ જનપથ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે લગભગ એક કલાક સુધી ચાલેલી મહત્ત્વપૂર્ણ મુલાકાત બાદ રાજા વારિંગે ઔપચારિક રીતે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ બહાર આવેલા રાજા વારિંગ ભાવુક દેખાયા હતા. તેમણે માધ્યમો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, "મને રાજીનામું આપવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું, મેં પોતે જ મારી ઈચ્છાથી આ નિર્ણય લીધો છે. હવે મને થોડા દિવસો માટે આરામ જોઈએ છે."

રાહુલ ગાંધી સાથે સાડા ચાર વર્ષના રિપોર્ટ કાર્ડની ચર્ચા

મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રાજા વારિંગ પાસેથી પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ, રાજ્ય સરકારની કામગીરી અને કોંગ્રેસ સંગઠનના ભવિષ્યની રણનીતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વારિંગે પ્રદેશ પ્રમુખ તરીકેના પોતાના સાડા ચાર વર્ષના કાર્યકાળનો અનુભવ શેર કરતા પંજાબમાં પક્ષ સામેના મુખ્ય પડકારો અને કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારો અંગે રાહુલ ગાંધીને માહિતગાર કર્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, "રાહુલ ગાંધીએ મને હંમેશાં અપરંપાર સ્નેહ આપ્યો છે. હું તેમનો વફાદાર સિપાઈ છું અને પક્ષ માટે મારી સેવાઓ હંમેશાં ઉપલબ્ધ રહેશે. થોડા દિવસોની રજા બાદ પક્ષ જ્યાં પણ મારી જવાબદારી નક્કી કરશે ત્યાં હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ."

નવા પ્રદેશ અધ્યક્ષ માટે ચરચાઓ તેજ

સાડા ચાર વર્ષ સુધી પંજાબ કોંગ્રેસનું સુકાન સંભાળનાર રાજા વારિંગના રાજીનામા બાદ હવે પંજાબમાં સંગઠનાત્મક મોટા ફેરબદલના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં સંગરુરના ભૂતપૂર્વ સાંસદ વિજય ઇન્દર સિંગલાનું નામ આ દોડમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓના નામ પણ ચર્ચામાં છે.

(5:20 PM IST)