<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

"હું અહીં કંઈ બંગડીઓ પહેરીને બેઠો નથી..." VIP ચીફ મુકેશ સાહની યુપી પોલીસ પર લાલચોળ; કોર્ટમાં ઘસડી જવાની આપી ધમકી, ઓડિયો-વીડિયો વાયરલ!

રાત્રે ૧:૩૦ વાગ્યે ફોન પર શરૂ થયેલો વિવાદ ઉગ્ર બોલાચાલીમાં ફેરવાયો; બિહારના પૂર્વ મંત્રીએ પોલીસ અધિકારીને કહ્યું- 'સત્તા તો આવતી-જતી રહેશે, કાયદો મારી પાસે પણ છે'

પટના, તા.૧૦: રાજકારણમાં ક્યારે કયો મુદ્દો ગરમાવો પકડી લે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે એક પૂર્વ મંત્રી અને પોલીસ અધિકારી સામસામે આવી જાય ત્યારે હંગામો મચવો સ્વાભાવિક છે. બિહાર સરકારના પૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના વડા મુકેશ સાહની અને ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ પોલીસ અધિકારી વચ્ચે ફોન પર થયેલી ઉગ્ર બોલાચાલીનો એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. આ વીડિયોમાં મુકેશ સાહની અત્યંત આકરા તેવરમાં પોલીસ અધિકારીને ખખડાવતા અને કોર્ટમાં જોઈ લેવાની ધમકી આપતા સંભળાઈ રહ્યા છે.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં મુકેશ સાહનીના પ્રસ્તાવિત રાત્રિ રોકાણ અને પ્રવાસને લઈને શરૂ થયો હતો. મુકેશ સાહની યુપીના વિવિધ જિલ્લાઓની મુલાકાતે છે અને કાર્યકરોને મળી રહ્યા છે. જ્યારે તેમણે મહારાજગંજમાં રોકાવાની વાત કરી, ત્યારે યુપી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ તેમને ફોન કરીને જણાવ્યું કે આ પ્રકારના પ્રવાસ કે કાર્યક્રમ માટે વહીવટીતંત્રની પૂર્વ પરવાનગી (Permission) લેવી અનિવાર્ય છે. બસ, આ 'પરવાનગી' શબ્દ સાંભળતા જ મુકેશ સાહનીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
"શું લગ્ન-જન્મદિવસમાં જવા માટે પણ પરવાનગી જોઈશે?"
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુકેશ સાહની કહી રહ્યા છે, "નમસ્તે, કાલે મારો મહારાજગંજમાં નાઈટ સ્ટે છે. હું ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ફરી રહ્યો છું, લોકોને મળી રહ્યો છું. અહીં કોઈ મોટો જાહેર કાર્યક્રમ નથી. દેશના કોઈપણ રાજ્યમાં કે જિલ્લામાં જવા માટે કોઈ નાગરિકને પરવાનગીની જરૂર હોતી નથી. જ્યારે અમે કોઈ મોટી રેલી કે સભા કરીશું, ત્યારે ચોક્કસ પરવાનગી લઈશું."
જ્યારે સામે પક્ષે પોલીસ અધિકારીએ કાયદાનો હવાલો આપીને પોતાની વાત રજૂ રાખી, ત્યારે સાહની વધુ આક્રમક બન્યા હતા. તેમણે ગુસ્સામાં પૂછ્યું, "મને યુપી આવતા અટકાવો, મને લોકોને મળતા રોકો! શું હવે મારે કોઈના જન્મદિવસમાં કે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે પણ તમારી પરવાનગી લેવી પડશે?"
"હું અહીં બંગડીઓ પહેરીને બેઠો નથી!"
જ્યારે પોલીસ અધિકારીએ સાહનીના આકરા શબ્દો અને ભાષા સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે સાહનીએ પરતો પ્રહાર કરતા કહ્યું, "મેં શું ખોટું કહ્યું? તમે એક વરિષ્ઠ અધિકારી છો અને હું પણ સરકારમાં મંત્રી રહી ચૂક્યો છું. મારા હાથમાં પણ દેશનું બંધારણ છે. મને ભારતમાં ગમે ત્યાં ફરવાનો અધિકાર છે. જો કાલે મારો કાર્યક્રમ બગડ્યો, તો હું તમને સીધા કોર્ટમાં જ મળીશ. હું અહીં કંઈ બંગડીઓ પહેરીને બેઠો નથી. તમે કોઈ રાજકીય પક્ષના નેતા નથી, સત્તા તો આજે છે ને કાલે નથી, આવતી-જતી રહેશે."
રાત્રે ૧:૩૦ વાગ્યે હંગામો અને 'ગુંડા' શબ્દનો પ્રયોગ
વાતચીતના અંતમાં મુકેશ સાહનીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, "રાત્રે દોઢ (૧:૩૦) વાગ્યે મારો સમય બગાડવામાં આવી રહ્યો છે. જો તમારે રોકવો જ હોય તો ગુંડાઓના વેશમાં પોલીસ મોકલી આપો." સાહનીએ અધિકારીને એવું પણ યાદ અપાવ્યું કે આ આખી વાતચીત રેકોર્ડ થઈ રહી છે અને કાનૂની પુરાવા તરીકે કામ લાગશે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, સત્તાવાર પુષ્ટિ બાકી
આ કથિત વાતચીતનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, આ વીડિયો કયા ચોક્કસ સંજોગોમાં રેકોર્ડ થયો અને ફોન પર સામે રહેલા યુપી પોલીસના અધિકારી કોણ હતા, તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. આ મામલે વહીવટીતંત્ર તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. મંત્રીના આ 'દબંગ' અંદાજે હાલમાં તો યુપી અને બિહારના રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે.

(5:15 PM IST)