તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
હૈદરાબાદ એરપોર્ટ પર ફ્લાઈટમાં હંગામો: ઈમરજન્સી એક્ઝિટ દરવાજાને ભૂલથી સ્પર્શ થતાં જ વાગ્યું સેન્સર એલાર્મ, મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારાયો!
કડપા જતી ફ્લાઈટ ટેક-ઓફ કરે તે પહેલા જ બની ઘટના: પોતાની સીટ એડજસ્ટ કરવા જતાં ૩૫ વર્ષીય પેસેન્જરનો હાથ હેન્ડલ પર લાગી જતાં એરલાઈન્સ સ્ટાફે લીધા કડક પગલાં

હૈદરાબાદ : હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (RGIA) પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં વિમાન ઉડાન ભરે તે પહેલાં જ એક મુસાફરને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. ૩૫ વર્ષીય આ પેસેન્જરનો હાથ ભૂલથી વિમાનના ઈમરજન્સી એક્ઝિટ (આપાતકાલીન બહાર નીકળવાના) દરવાજાના હેન્ડલ પર લાગી જતાં જ વિમાનમાં સેન્સર એલાર્મ વાગી ઊઠ્યું હતું, જેના કારણે એરપોર્ટ અને ફ્લાઈટ સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સીટ સેટ કરવા જતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે તે સમયે બની જ્યારે હૈદરાબાદથી કડપા જઈ રહેલી એરલાઈન્સની ફ્લાઈટ ટેક-ઓફ માટે તૈયાર થઈ રહી હતી. વિમાન હજુ એરપોર્ટ પર સ્થિર ઊભું હતું ત્યારે ઈમરજન્સી એક્ઝિટ સીટ પર બેઠેલા મુસાફરે પોતાની સીટ સરખી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અજાણતા જ તેનો હાથ ઈમરજન્સી એક્ઝિટ દરવાજાના હેન્ડલને સ્પર્શી ગયો હતો, જેનાથી સેન્સર સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ હતી અને જોરદાર એલાર્મ વાગવા લાગ્યું હતું.
એરલાઈન્સ સ્ટાફે સુરક્ષાના મુદ્દે લીધા કડક પગલાં
આ ઘટના બાદ ફ્લાઈટના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ધોરણે સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો. RGIA પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, મુસાફરની ભૂલ અનિચ્છનીય હોવા છતાં હવાઈ મુસાફરીના કડક સુરક્ષા નિયમો અને અન્ય મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એરલાઈન સ્ટાફે તેને તરત જ વિમાનમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ થોડા સમય માટે ફ્લાઈટનું ટેક-ઓફ ખોરવાયું હતું.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
