<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

પતિએ દીકરા સાથે મળી પત્નીની એવી વસ્તુ ચોરી કે બાદમાં હેરાન થઈ ગયા : કોર્ટે મોટો ચુકાદો આપતા 40 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો પણ પત્નીએ આ કારણે વધારે માગ્યા

દુબઈ કોર્ટનો સનસનીખેજ ચુકાદો: 100 થી વધુ સોના-હીરાના દાગીના, ઘડિયાળો અને રોકડ ચોરી કેસમાં પિતા-પુત્રને 1 વર્ષની જેલ ઉપરાંત 16.1 મિલિયન દિરહમ ચૂકવવા પડશે

દુબઈ તા.૩૧ : દુબઈમાં પારિવારિક વિખવાદ વચ્ચે પતિએ પોતાના દીકરા સાથે મળીને પત્નીના ઘરમાંથી 100 થી વધુ સોના અને હીરાના દાગીના, લક્ઝરી ઘડિયાળો અને રોકડની ચોરી કરી હતી. ચોરી થયેલી મિલકતની કુલ કિંમત 15.1 મિલિયન દિરહમ એટલે કે લગભગ 38 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

 

આ કેસ પહેલા ક્રિમિનલ કોર્ટમાં ગયો હતો, જ્યાં બંને પિતા-પુત્રને ચોરીના ગુનામાં 1-1 વર્ષની જેલ અને સંયુક્ત રીતે 15.1 મિલિયન દિરહમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચુકાદાને કોર્ટ ઓફ અપીલે પણ યથાવત રાખ્યો હતો.

 

ત્યારબાદ પત્નીએ સિવિલ કોર્ટમાં 50 મિલિયન દિરહમ (લગભગ 125 કરોડ) ના વળતરનો દાવો કર્યો હતો. પત્નીનો તર્ક હતો કે ચોરી બાદ સોનાના ભાવમાં 70% નો વધારો થયો છે, જેના કારણે તેને 11 મિલિયન દિરહમનો નફો ગુમાવવો પડ્યો છે. ઉપરાંત પતિ અને દીકરાએ દગો આપ્યો હોવાથી માનસિક આઘાત માટે 23.9 મિલિયન દિરહમની માંગણી કરી હતી.

 

દુબઈ સિવિલ કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટન્સે પત્નીના સોનાના ભાવ વધારાના નફાની માંગણીને કાલ્પનિક ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે વળતર વાસ્તવિક નુકસાન પર જ મળે. કોર્ટે આખરે પિતા-પુત્રને સંયુક્ત રીતે ચોરીના 15.1 મિલિયન દિરહમ અને માનસિક-આર્થિક નુકસાનના 1 મિલિયન દિરહમ મળી કુલ 16.1 મિલિયન દિરહમ એટલે કે લગભગ 40 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

(4:13 PM IST)