તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
પતિએ દહેજ માટે ભાઈ સાથે મળી પત્નીને પતાવી દીધી
૮ વર્ષ પહેલાં થયા હતા લગ્ન, મૃતદેહને ઝાડીઓમાં ફેંકીને થયા ફરાર

દાનાપુર તા.૧૩: પટનામાં દહેજ માટે પરિણીતાની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, લોકો પાયલટ પતિએ ભાઈ સાથે મળીને ગળું દબાવી પત્નીની હત્યા કરી દીધી અને મૃતદેહને ઝાડીઝાંખરામાં ફેંકી દીધો હતો. મૃતકની ઓળખ ૩૦ વર્ષીય જૂલી સિહ તરીકે થઈ છે, જે તેના પતિ મનોરંજન સિંહ સાથે ખારજા રોડ સ્થિત વિનોદ સિહના મકાનમાં ભાડે રહેતી હતી. મૃતક મૂળ આરા જિલ્લાના અજીમાબાદની રહેવાસી હતી. જ્યારે હત્યારો પતિ દાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ પ્રગતિ નગર ખારજા રોડ પર રહેતો હતો.
મૃતકના પિતા, વૈશાલી જિલ્લાના વિદ્યુપુર કર્માપુરના રહેવાસી રંજીત સિંહે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭માં જૂલીના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ મનોરંજન સિંહ સાથે થયા હતા. લગ્ન બાદથી જ દહેજ બાબતે તેમની દીકરીને પ્રતાડિત કરવામાં આવતી હતી. આરોપ છે કે, પતિ અવારનવાર પિયરથી રૂપિયા લાવવાનું દબાણ કરતો હતો અને મારપીટ કરતો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે પતિ મનોરંજન સિંહ અને દિયર ચિતરંજન સિહે જૂલી સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ પતિ ડ્યુટી પર ગયો હતો, પરંતુ બપોરે પરત આવીને ફરી ભાઈ સાથે મળીને જૂલીને નિર્દયતાથી ફટકારી હતી અને દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. આરોપ છે કે, હત્યા બાદ મૃતદેહને પંખાના હૂક સાથે લટકાવીને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાને છુપાવવા માટે આરોપીઓ મૃતદેહને આરાના સિન્હા ઘાટ પાસે ગંગા નદીમાં ફેંકવા લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસની જાણ થતા તેઓ મૃતદેહને સિન્હા ઘાટ પાસે ઝાડીઓમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. માહિતી મળતા પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી, ત્યારબાદ ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે દાનાપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ASP શિવમ ધાકડે જણાવ્યું કે, મૃતકના પિતાના નિવેદન પર પતિ મનોરંજન સિંહ, દિયર ચિતરંજન સિહ અને અન્ય વિરુદ્ધ ગુનો નોંધીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
