તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
છત્તીસગઢના બુંદેલી ગામમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા:કપાયેલું માથું પ્લાસ્ટિકની થેલીમાં ભરી ગામમાં ફર્યો
દારૂ પીધા બાદ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતા ખેલાયો ખૂની ખેલ :પોલીસે આરોપીની ધરપકડ કરી લોહીથી ખરડાયેલી છરી જપ્ત કરી

છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક એવી રુંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેણે માનવતાને ઝકઝોરી દીધી છે. અહીં એક પતિએ શંકાના વહેમમાં પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી એટલેથી જ ન અટકતા, તેનું કપાયેલું માથું હાથમાં લઈને ગામની ગલીઓમાં ફરવા લાગ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જેણે પણ જોયું તે ફફડી ઉઠ્યું હતું.
આ સનસનીખેજ મામલો બાલકો નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બુંદેલી ગામનો છે. બુધવારે સાંજે શાલિક રામ નામના મજૂરે તેની પત્ની ચૈત કુંવરની ધારદાર છરીથી ગળું કાપી હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ, બંને વચ્ચે લાંબા સમયથી ચારિત્ર્ય પરની શંકાને લઈને વિવાદ ચાલતો હતો. ઘટનાના દિવસે સવારે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાંજે જ્યારે બંને સાથે બેસીને દારૂ પી રહ્યા હતા ત્યારે ઝઘડો વકર્યો અને ગુસ્સામાં આવી શાલિક રામે પત્નીનું માથું ધડથી અલગ કરી દીધું હતું.
હત્યા કર્યા બાદ આરોપીનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે પત્નીનું કપાયેલું માથું એક પ્લાસ્ટિકની થેલીમાં ભર્યું અને બાઈક પર લઈને નીકળી પડ્યો હતો. રસ્તામાં તે લોકોને પોતે જ જણાવતો રહ્યો કે તેણે પત્નીને મારી નાખી છે. કેટલાક સ્થળોએ તેણે થેલી ખોલીને માથું બતાવતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ બાલકો નગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર જપ્ત કર્યું છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ક્રૂર ઘટનાને કારણે ચાર માસૂમ બાળકોના માથેથી માતાની છત્રછાયા ઉઠી ગઈ છે અને પિતા જેલમાં છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
