તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 23rd September 2026
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ માં મોટો ઉલટફેર: મુકેશ અંબાણીને પછાડીને ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ! જાણો દેશના ટોપ-૧૦ અબજોપતિઓની યાદી
₹૯.૨૩ લાખ કરોડની મતિંગ સંપત્તિ સાથે અદાણી પરિવારે મેળવ્યું પ્રથમ સ્થાન; ટેકનોલોજી અને AI ક્ષેત્રના નવોદિતોનો દબદબો, દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૩૯૧ થઈ.

અમદાવાદ : હુરુન ઈન્ડિયા અને M3M ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે 'M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬' જારી કરવામાં આવ્યું છે. આ વર્ષની યાદીમાં ભારતીય ઉદ્યોગ જગતમાં અતિ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ૬૪ વર્ષીય ગૌતમ અદાણી અને તેમનો પરિવાર રિલિઅન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે શીર્ષ સ્થાને પહોંચી ગયા છે.
ગૌતમ અદાણી ₹૯.૨૩ લાખ કરોડની સંપત્તિ સાથે ટોચ પર
રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિમાં ૧૩% નો ઉછાળો નોંધાયો છે, જે વધીને ₹૯,૨૨,૮૦૦ કરોડ (અંદાજે ૯૬ અબજ ડોલર) પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ૬૯ વર્ષીય મુકેશ અંબાણી અને તેમના પરિવારની સંપત્તિ ૧૦% ઘટીને ₹૮,૬૩,૪૦૦ કરોડ (અંદાજે ૯૦ અબજ ડોલર) રહી ગઈ છે. આ સાથે અદાણી અંબાણી કરતાં ₹૫૯,૪૦૦ કરોડ આગળ નીકળી ગયા છે.
આ યાદીમાં આર્સેલર મિત્તલના એલ.એન. મિત્તલ અને પરિવાર ₹૩,૩૯,૩૦૦ કરોડની સંપત્તિ (+૯૩% ઉછાળો) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સાયરસ એસ. પૂનાવાલા (₹૩,૦૩,૪૦૦ કરોડ) ચોથા સ્થાને જ્યારે HCL ના રોશની નાડર મલ્હોત્રા અને પરિવાર ₹૨,૭૮,૫૦૦ કરોડ સાથે પાંચમા સ્થાને રહીને ભારતના સૌથી અમીર મહિલા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ભારતમાં અબજોપતિઓનો નવો રેકોર્ડ અને AI નો દબદબો
ભારતમાં સંપત્તિ સર્જનનો દોર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં ₹૧,૦૦૦ કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતા ધનિકોની સંખ્યા વધીને ૧,૮૧૦ પર પહોંચી ગઈ છે.
- ૩૯૧ ડોલર બિલિયોનેર: ભારતમાં હવે રેકોર્ડ ૩૯૧ અબજોપતિઓ છે. તમામ ધનિકોની કુલ સંપત્તિ ₹૧૮૭.૫ લાખ કરોડ (૧.૯૬ ટ્રિલિયન ડોલર) છે, જે દેશના જીડીપીના અડધા ભાગ જેટલી છે.
- AI અને ક્વાન્ટમ ટેકનોલોજી: આ વખતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના ૧૯ ધનિકો યાદીમાં સામેલ થયા છે. QpiAI ના નાગેન્દ્ર નાગરાજ ક્વાન્ટમ કમ્પ્યુટિંગમાંથી ₹૧,૭૦૦ કરોડ સાથે સામેલ થનાર પ્રથમ ઉદ્યોગપતિ બન્યા છે.
- સૌથી યુવા અબજોપતિ: ઝેપ્ટો (Zepto) ના ૨૩ વર્ષીય સહ-સ્થાપક કૈવલ્ય વોહરા (₹૨,૬૦૦ કરોડ) દેશના સૌથી યુવા ધનિક બન્યા છે.
મુંબઈ ધનિકોનું હોટસ્પોટ, અમદાવાદ છઠ્ઠા ક્રમે
શહેરોની દ્રષ્ટિએ ૪૬૫ ધનિકો અને ૯૩ બિલિયોનેર્સ સાથે મુંબઈ દેશમાં પ્રથમ સ્થાને છે. નવી દિલ્હી (૨૩૬) બીજા અને બેંગલુરુ (૧૨૯) ત્રીજા ક્રમે છે. ગુજરાતનું અમદાવાદ ૭૫ ધનિકો સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. રાજ્ય સ્તરે મહારાષ્ટ્ર (૫૫૨) પ્રથમ અને ગુજરાત (૧૫૩) ત્રીજા સ્થાને છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
