તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે સૈનિકો માટે દુશ્મન કરતા ભૂખ વધુ ઘાતક: 17 દિવસ સુધી અન્ન વગર રહ્યા:વરસાદી પાણી પીને જીવ બચાવ્યો.
રશિયન ડ્રોન અને બોમ્બમારાએ સપ્લાય લાઈન કાપી નાખતા રાશનના રસ્તા બંધ :રૂંવાડા ઉભા કરી દે તેવી સ્થિતિ : તસ્વીરો વાયરલ થતા બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસરની હકાલપટ્ટી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલો આ સંઘર્ષ હવે માત્ર ક્ષેત્રીય વિવાદ નથી રહ્યો, પરંતુ તે માનવીય સંવેદનાઓનો કરુણ અંત બની રહ્યો છે. યુક્રેનમાં ફૂડ સપ્લાય ચેન એટલી હદે ધ્વસ્ત થઈ ગઈ છે કે મોરચે લડી રહેલા સૈનિકો હવે દુશ્મનની ગોળીથી નહીં, પણ પેટની ભૂખથી મોતને ભેટી રહ્યા છે.
તાજેતરમાં એપ્રિલ મહિનામાં યુક્રેનથી ચાર અત્યંત દુબળા-પાતળા સૈનિકોની તસવીરો વાયરલ થઈ હતી. આ એ જ સૈનિકો હતા જેઓ ફ્રન્ટલાઈન પર સતત 17 દિવસ સુધી અન્ન વગર ટકી રહ્યા હતા. તેમની તસવીરોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ સૈનિકો દક્ષિણ-પૂર્વી ડોનેટ્સ્કમાં એક બંકરમાં છુપાયેલા હતા. રશિયન બોમ્બમારામાં મુખ્ય પુલ તૂટી જવાથી તેમને મળતું રેશન અને પાણી સદંતર બંધ થઈ ગયું હતું.
14મી મેકેનાઈઝ્ડ બ્રિગેડમાં ફરજ બજાવતા એક સૈનિકની પત્ની અનાસ્તાસિયા સિલચુકે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવતા લખ્યું કે, "સૈનિકો ભૂખથી બેભાન થઈ રહ્યા હતા અને જીવતા રહેવા માટે માત્ર વરસાદી પાણી પીવા મજબૂર હતા." રેડિયો પર સૈનિકોની ચીસો કોઈ સાંભળવા તૈયાર નહોતું. ઓલેક્ઝેન્ડર નામના એક સૈનિકે અલ જઝીરાને જણાવ્યું કે, "અમે હઠવાડિયા સુધી માત્ર ચોકલેટ બાર અને ઓટમીલ પર જીવતા હતા. ગરમ ખાવાનું તો અમારા માટે માત્ર એક સપનું બની ગયું હતું."
2026માં આ યુદ્ધ વધુ જટિલ બન્યું છે. રશિયન સેના હવે નાના અને ઘાતક સુસાઈડ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે, જે સૈનિકો સુધી પહોંચતા ખોરાક અને મેડિકલ સપ્લાયને નિશાન બનાવે છે. આ કારણે સપ્લાય લાઈન ખોરવાઈ જાય છે. આ ગંભીર બેદરકારી બદલ યુક્રેન સરકાર દ્વારા બ્રિગેડના કમાન્ડિંગ ઓફિસરને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે અને રક્ષા મંત્રાલયે કડક તપાસના આદેશ આપ્યા છે. યુદ્ધના આ ચાર વર્ષોમાં રશિયાએ યુક્રેનના 20% વિસ્તાર પર કબજો જમાવ્યો છે, પરંતુ સૈનિકોની આ લાચારી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. શાંતિ વાર્તાના પ્રયાસો ચાલુ છે, પરંતુ જમીની વાસ્તવિકતા હજુ પણ અત્યંત ભયાનક છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
