તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
મુંબઈની હોસ્પિટલમાં નોંધાયા ઓબેસિટીના સેંકડો કેસઃ નાની ઉંમરે ડાયાબિટીસ-બીપીનો ખતરો
ગોળમટોળ બાળક જોઈને ખુશ થતા નહીં!

મુંબઈ,તા.૧૯: સામાન્યપણે નાના ગોળમટોળ બાળકો આપણને બધાને જ પસંદ આવતા હોય છે. વજન વધવાને ઘણીવાર સ્વસ્થ બાળકની નિશાની ગણી લેવાય છે, પરંતુ આ જ વધતું વજન ભવિષ્યમાં ડાયાબિટીસ, હાઈ બીપી અને ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જ વાત કરીશું...
મુંબઈની જાણીતી બાઈ જેરબાઈ વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્થૂળતાથી પીડાતા આશરે ૩૦૦ બાળકો સારવાર માટે નોંધાયા છે, એટલે કે દર વર્ષે સરેરાશ ૧૦૦ બાળકો માત્ર વજન ઘટાડવા માટે સારવાર લઈ રહ્યા છે. ખરાબ આહારશૈલી, મેદાની રમતોનો અભાવ અને વધતો જતો સ્ક્રીન ટાઈમ બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ ચિતાજનક સ્તરે વધારી રહ્યા છે.
બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલના મેડિકલ એક્સપર્ટ્સ અને પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટના જણાવ્યા અનુસાર સારવાર માટે આવતા બાળકોમાંથી ૮૦ ટકાથી વધુ કેસોમાં સ્થૂળતા પાછળ હોર્મોનલ કે આનુવંશિક કોઈ કારણ હોતું નથી, પરંતુ સીધી રીતે બેઠાડુ જીવનશૈલી જ જવાબદાર છે. જોકે, ખૂબ જ નાની ઉંમરે અચાનક વજન વધવું, ઊંચાઈ અટકી જવી કે શરીરમાં અસામાન્ય ફેરફારો દેખાય ત્યારે તબીબી તપાસ જરૂરી બને છે. દેશમાં પાંચથી ૧૯ વર્ષના વયજૂથમાં સ્થૂળતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં શહેરીકરણ અને પેક્ડ ફૂડનું સેવન મોટો ભાગ ભજવે છે.
બાળપણમાં વધતું વજન સામાન્ય લક્ષણ નથી, તેનાથી નીચે મુજબની ગંભીર બીમારીઓ ઘર કરી શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે લોહીમાં સુગરનું પ્રમાણ વધે છે. નાની ઉંમરે હૃદય પર દબાણ વધે છે. લીવરમાં ચરબી જમા થવી તેમજ વધતા વજનથી ઘૂંટણ અને સાંધા ઘસાવા. ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી. કિશોરાવસ્થામાં વજન વધવાથી માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે અથવા બંધ થઈ શકે છે, જેને સામાન્ય સમજીને નજરઅંદાજ ન કરવું જોઈએ.
નિષ્ણાતોના મતે બાળકો પર આહારના કડક નિયમો લાદવા કે તેમના વજનને કારણે તેમને દોષ આપવો યોગ્ય નથી. તેના બદલે આખા પરિવારે તંદુરસ્ત આદતો અપનાવવી જોઈએ-
૧.ઘરમાં રાંધેલો પૌષ્ટિક અને સંતુલિત ખોરાક, તાજાં ફળો અને લીલાં શાકભાજીનું સેવન વધારવું.
૨.પેક્ડ સ્નેક્સ, જંક ફૂડ અને ખાંડવાળા પીણાં પર નિયંત્રણ રાખવું.
૩.રોજિદા જીવનમાં ઓછામાં ઓછી એક કલાકની શારીરિક કસરત કે મેદાની રમતો સામેલ કરવી.
૪.ટીવી, મોબાઈલ અને ટેબલેટનો સ્ક્રીન ટાઈમ ઘટાડીને પૂરતી ઊંઘની આદત પાડવી.
૫.આ સમસ્યાના નિવારણ માટે વાડિયા હોસ્પિટલમાં દર શનિવારે બપોરે બેથી પાંચ વાગ્યા સુધી સ્થૂળતા માટે ખાસ સ્પેશિયલ ઓપીડી (OPD) શરૂ કરવામાં આવી છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
