તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
માનવતા લજવાઈ પણ શ્વાનોએ વફાદારી નિભાવી: કોયમ્બતૂરમાં માનસિક અસ્વસ્થ મહિલા પર દુષ્કર્મના પ્રયાસને રખડતા કૂતરાઓએ નિષ્ફળ બનાવ્યો
રસ્તા કિનારે એકલી બેઠેલી મહિલા પર સગીરે હુમલો કરવાનો પ્રયાસ કર્યો; મહિલાની ચીસો સાંભળીને શ્વાનોએ હુમલાખોર પર ત્રાટકીને તેને બચકાં ભરી ભગાડી મૂક્યો, સમગ્ર ઘટના CCTV માં કેદ

કોયમ્બતૂર, : તમિલનાડુના કોયમ્બતૂર શહેરમાંથી માનવતા અને પશુઓની વફાદારીનો એક ચોંકાવનારો તેમજ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં થુડિયાલુર નજીક રસ્તા કિનારે બેઠેલી એક માનસિક રીતે અસ્વસ્થ મહિલા પર એક દારૂડિયા સગીર યુવકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર રખડતા શ્વાનોએ પોતાની બહાદુરી અને સતર્કતા દર્શાવી મહિલાનો જીવ અને આબરૂ બચાવી લીધા હતા.
ઘટનાનો વિગતવાર ક્રમ
પોલીસ અને સીસીટીવી ફુટેજ અનુસાર, આ ઘટના મોડી રાત્રે રેલ્વે ઓવરબ્રિજ નજીક એનજીજીઓ કોલોની-અશોકાપુરમ વિસ્તારમાં બની હતી. એક માનસિક રીતે અસ્વસ્થ અને બેઘર મહિલા રસ્તા કિનારે બેઠી હતી, જ્યાં બે રખડતા શ્વાનો પણ તેની આસપાસ રહેતા હતા. એટલામાં એક નશામાં ધૂત સગીર યુવક ત્યાં આવ્યો અને શ્વાનોને ભગાડવા માટે તેમના પર પથ્થર ફેંક્યો.
શ્વાનો થોડા પાછળ હટ્યા પરંતુ ત્યાં જ ઊભા રહીને સતત ભસતા રહ્યા. નિર્જન રસ્તાનો લાભ ઉઠાવીને તે યુવકે મહિલા સાથે અડપલાં કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો.
શ્વાનોએ દેખાડી શૂરવીરતા
જેવી મહિલાએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, કે તરત જ બંને શ્વાનો તે હુમલાખોર પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ સતત ભસીને યુવકના પગમાં બચકાં ભરવાનું શરૂ કર્યું અને તેને મહિલાથી દૂર ખેંચી ગયા. શ્વાનોના અચાનક અને આક્રમક હુમલાથી ગભરાઈ ગયેલો યુવક પોતાનો પ્રયાસ છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને શ્વાનોએ તેને દૂર સુધી દોડાવ્યો હતો.
પોલીસે CCTV પરથી કરી ધરપકડ
અન્ય એક નાની દુકાનમાં આગ લાગવાની ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને આ આખી ઘટનાના CCTV ફુટેજ મળ્યા હતા. વીડિયો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફુટેજના આધારે થુડિયાલુર પોલીસે આરોપી સગીરની ઓળખ કરી તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો શ્વાનોની બહાદુરી અને વફાદારીના ભારે વખાણ કરી રહ્યા છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
