તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
પાકિસ્તાનમાં માનવતા શરમાઈ: ઓપરેશન થિયેટરમાં દર્દીઓ મોત સામે ઝઝૂમ્યા અને VIP બ્લોકમાં એસીની ઠંડક વચ્ચે જનરેટરો ધમધમ્યા
લાહોરની હોસ્પિટલના સર્જને વીડિયો વાયરલ કરી ખોલી પાકિસ્તાની સિસ્ટમની પોલ, જનરેટરમાં ઈંધણ ખૂટી પડતા અંધારપટ વચ્ચે અધવચ્ચે અટકી સર્જરીઓ

લાહોર: પાકિસ્તાનના કથળતા અર્થતંત્ર અને કંગાળ હાલતની વધુ એક હૃદયદ્રાવક તસવીર લાહોરની પ્રતિષ્ઠિત સર્વિસીસ હોસ્પિટલમાંથી સામે આવી છે, જ્યાં વીજળીના ભયાનક સંકટ વચ્ચે માનવતા નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હોસ્પિટલના એક સર્જને સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં પાકિસ્તાનની વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરતા જણાવ્યું છે કે, જ્યારે ઓપરેશન થિયેટરમાં ત્રણ ગંભીર દર્દીઓની સર્જરી ચાલી રહી હતી, ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલના જનરેટરમાં બળતણ ખૂટી પડ્યું હોવાનું કહીને ઓપરેશન થિયેટરને અંધારામાં ધકેલી દેવાયું હતું, જ્યારે તે જ સમયે હોસ્પિટલના VIP બ્લોકમાં નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે જનરેટરો વિના રોકટોક ચાલી રહ્યા હતા.
આ ઘટના 17 એપ્રિલના રોજ બની હતી, જેણે સમગ્ર પાકિસ્તાનમાં ફેલાયેલા વીજળી સંકટ અને વહીવટી તંત્રની નિષ્ફળતાને ખુલ્લી પાડી દીધી છે. વીડિયોમાં સર્જન અત્યંત લાચારી સાથે કહી રહ્યા છે કે, છેલ્લા 30 મિનિટથી દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને ડોક્ટરોને સમજાતું નથી કે અંધારામાં આ સર્જરીઓ કેવી રીતે પૂર્ણ કરવી. પાકિસ્તાનમાં હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં 16 કલાક અને શહેરોમાં 8 કલાક સુધીના અઘોષિત પાવર કટને કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગરીબ દર્દીઓના જીવના જોખમે પણ અમીરો અને વગદારોને અપાતી પ્રાથમિકતાએ પાકિસ્તાની 'VIP સંસ્કૃતિ' સામે રોષની જ્વાળા ભડકાવી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ શાહબાઝ શરીફ સરકારની આકરી ટીકા થઈ રહી છે. પ્રજાનો આરોપ છે કે સરકાર વીજળીના દરોમાં તોતિંગ વધારો કરી રહી છે તેમ છતાં હોસ્પિટલ જેવી જીવનરક્ષક સેવાઓમાં ઈંધણ પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે. હોસ્પિટલના સત્તાધીશો અને સરકારના દાવાઓ વચ્ચે સર્જને ઉઠાવેલા આ સવાલોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની વ્યવસ્થા પર ફિટકાર વરસાવ્યો છે. વીજળીના અભાવે ઓપરેશન થિયેટરમાં સર્જાયેલી આ સ્થિતિ દર્શાવે છે કે પાકિસ્તાન માત્ર આર્થિક જ નહીં, પણ નૈતિક રીતે પણ કટોકટીના આરે ઊભું છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
