તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
માનવતા શરમાઈ! ૮,૫૦૦ લિટર પેટ્રોલ હોવા છતાં પંપ સંચાલકે એમ્બ્યુલન્સને ઈંધણ ન આપ્યું, સમયસર સારવાર ન મળતા દર્દીનું કરુણ મોત
ઉત્તર પ્રદેશના બલિયામાં રુંવાડા ઉભા કરી દેતી ઘટના; સીસીટીવી ફૂટેજમાં પંપ મેનેજરની ઘોર બેદરકારી છતી થઈ, પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી

બલિયા (યુપી): ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક પેટ્રોલ પંપ મેનેજરની અમાનવીય જીદને કારણે ૫૦ વર્ષીય આધેડને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. પંપ પાસે હજારો લિટર પેટ્રોલનો સ્ટોક હોવા છતાં, મરણાંત અવસ્થામાં રહેલા દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને ઈંધણ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. આ મામલે તંત્રએ સખત વલણ અપનાવી પંપ મેનેજર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, બૈરિયાના પાંડેપુર ગામના રહેવાસી છટ્ટુ શર્મા (૫૦) બુધવારે રાત્રે અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમનો પરિવાર તાત્કાલિક ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરી તેમને જિલ્લા હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. કમનસીબે, રસ્તામાં જ એમ્બ્યુલન્સનું ઈંધણ ખૂટી પડ્યું. પરિવારજનો એમ્બ્યુલન્સને ધક્કો મારીને તેંગરાહી પાસે આવેલા મેસર્સ ભૂષણ સર્વિસ સ્ટેશન પર લઈ ગયા અને મેનેજર અશોક કુમાર ભારતીને પેટ્રોલ આપવા માટે આજીજી કરી, પરંતુ મેનેજરે 'સ્ટોક નથી' તેમ કહી મદદ કરવાનો સાફ ઈનકાર કરી દીધો.
તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો:
દર્દીના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જિલ્લા મેજિસ્ટ્રેટ મંગલા પ્રસાદ સિંહે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં પુષ્ટિ થઈ હતી કે ૨૨ એપ્રિલે રાત્રે ૯:૨૧ વાગ્યે એમ્બ્યુલન્સ પંપ પર આવી હતી. સૌથી ચોંકાવનારી વાત તપાસમાં એ બહાર આવી કે તે સમયે પંપમાં ૮,૫૦૦ લિટરથી વધુ પેટ્રોલનો સ્ટોક ઉપલબ્ધ હતો. આમ છતાં, મેનેજરે જાણીજોઈને ઈંધણ ન આપીને ગંભીર ગુનાહિત બેદરકારી દાખવી હતી.
પોલીસ કાર્યવાહી અને ફરાર આરોપી:
જિલ્લા પુરવઠા અધિકારી (DSO) દેવ મણિ મિશ્રાની ફરિયાદના આધારે બૈરિયા પોલીસે પંપ મેનેજર અશોક કુમાર ભારતી વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩/૭ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સર્કલ ઓફિસર મોહમ્મદ ફહીમ કુરેશીએ જણાવ્યું હતું કે આરોપી મેનેજર હાલ ફરાર છે અને તેની ધરપકડ માટે ટીમો રવાના કરવામાં આવી છે. તેલ કંપનીને પણ આ પંપનું લાયસન્સ રદ કરવા અથવા કડક કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવશે. ઈંધણના અભાવે અટવાયેલી એમ્બ્યુલન્સમાં તરફડીને દમ તોડનાર છટ્ટુ શર્માના પરિવારમાં અત્યારે શોક અને રોષનો માહોલ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
