News of Saturday, 30th May 2026
પશ્ચિમ બંગાળમાં ભારે હોબાળો : મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી પર હુમલો : શર્ટ ફાડી નાખ્યો, ઇંડા ફેંકાયા અને લાગ્યા "ચોર, ચોર" ના નારા
ચૂંટણીમાં પરાજય બાદ સોનારપુર પહોંચેલા ટીએમસી સાંસદને રોષે ભરાયેલા ટોળાએ ઘેર્યા : જીવ બચાવવા હેલ્મેટ પહેરવું પડ્યું : નેતાએ આક્રોશ વચ્ચે આ ઘટનાને ગણાવ્યું ભાજપનું મોટું રાજકીય કાવતરું

સોનારપુર : પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધી સત્તાના જોરે વિરોધીઓને ધ્રુજાવતા તૃણમૂલ કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જનતાના અભૂતપૂર્વ આક્રોશનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય રીતે પોતાના સમર્થકોની ભીડ અને ગગનભેદી નારાઓ વચ્ચે રહેતા અભિષેક બેનર્જી જ્યારે સોનારપુર વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. ત્યાં એકત્રિત થયેલા સ્થાનિક લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ તેમને ઘેરી લીધા હતા. આ હિંસક વિરોધ દરમિયાન લોકોએ તેમના પર ઇંડા ફેંક્યા હતા, તેમની સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો અને મોઢા પર "ચોર, ચોર" ના અપમાનજનક નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો.
અભિષેક બેનર્જી વાસ્તવમાં ચૂંટણી પછી થયેલી હિંસાનો ભોગ બનેલા પરિવારોને સાંત્વના આપવા સોનારપુર પહોંચ્યા હતા. પરંતુ તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે ટીએમસીની કારમી હાર બાદ જનતાનો મૂડ બદલાયેલો જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ આ વરિષ્ઠ નેતા પર સીધો શારીરિક હુમલો કરી દીધો હતો. માહોલ એટલો ભયાનક બની ગયો હતો કે પૂર્વ મુખ્યમંત્રીના સંભવિત ઉત્તરાધિકારી ગણાતા આ યુવા નેતાએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક લોખંડની રેલિંગ પાસે જઈને માથા પર હેલ્મેટ પહેરી લેવું પડ્યું હતું. પોતાની રાજકીય કારકિર્દીમાં અભિષેક બેનર્જી માટે આ સૌથી શરમજનક અને આઘાતજનક પળ સાબિત થઈ હતી.
બીજી તરફ, આ ભયાનક હુમલા બાદ અભિષેક બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતા સમગ્ર ઘટનાને ભાજપની સાજીશ ગણાવી છે. તેમણે મીડિયા એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ બધું રાજ્યમાં સત્તા મેળવનાર ભગવા પક્ષનું પ્રી-પ્લાન્ડ કાવતરું છે, જ્યાં લોકશાહીના નામે નગ્ન નાચ થઈ રહ્યો છે અને પોલીસ ક્યાંય દેખાતી નથી." આશ્ચર્યની વાત એ છે કે, આ હુમલો એ જ દિવસે થયો જ્યારે પશ્ચિમ બંગાળ CID ની ટીમ તેમની સામે નોંધાયેલા વિવિધ કેસોની નોટિસ આપવા તેમના ઘરે પહોંચી હતી. આગામી સોમવારે કોલકાતાના ભવાની ભવન ખાતે હાજર થવાના આદેશ પર પ્રતિક્રિયા આપતા તેમણે પડકાર ફેંક્યો હતો કે, "જો તમે મારું ગળું કાપી નાખો તો પણ મને તમારી સામે ઝુકાવવા માટે તમારે સાત જન્મ લેવા પડશે."
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
