તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વારાણસીમાં ભારે બબાલ: રાહુલ ગાંધીને બનાવ્યા 'ભગવાન પરશુરામ', કટઆઉટ પર દૂધ-સ્નાન કરાવતા સોશિયલ મીડિયા પર સનાતનીઓ ભડક્યા!
ગંગા નદીની મધ્યમાં કોંગ્રેસ કાર્યકરોની અનોખી પણ વિવાદાસ્પદ ઉજવણી; એક હાથમાં કુહાડી અને બીજા હાથમાં બંધારણ સાથે વિપક્ષી નેતાનું પોસ્ટર વાયરલ થતાં રાજકીય ઘમાસાણ

વારાણસી, તા. 18 જૂન 2026: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના 56મા જન્મદિવસની ઉજવણીને લઈને ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી) માં એક મોટો વિવાદ ઊભો થયો છે. વારાણસીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયોજિત એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશભરમાં સામાજિક અને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય નેતાને ભગવાનના અવતાર તરીકે દર્શાવવાના આ અખતરા સામે લોકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ગંગાજીની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર અને દૂધ-સ્નાન
અહેવાલો અનુસાર, કોંગ્રેસના કાર્યકરોએ પવિત્ર ગંગા નદીની મધ્યમાં હોડીઓ ભેગી કરીને એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નદીની વચ્ચે રાહુલ ગાંધીનું એક વિશાળ વોટરપ્રૂફ કટઆઉટ (પોસ્ટર) ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ભગવાન પરશુરામથી પ્રેરિત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. આ કટઆઉટમાં રાહુલ ગાંધીના એક હાથમાં પરશુરામજીનું શસ્ત્ર 'કુહાડી' અને બીજા હાથમાં ભારતનું બંધારણ જોવા મળતું હતું. આ દરમિયાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ કટઆઉટ પર દૂધનો અભિષેક (દૂધ સ્નાન) કરવામાં આવ્યો હતો અને જન્મદિવસ નિમિત્તે 11 કિલોગ્રામ લાડુનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.
'ભગવાન કે રાજકારણી?' સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ
કોંગ્રેસના કાર્યકરોનું કહેવું હતું કે તેઓ રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવતી સામાજિક ન્યાય અને બંધારણ બચાવવાની લડાઈ તેમજ ભારતીય સંસ્કૃતિના સંદેશને રજૂ કરવા માંગતા હતા. જોકે, નેટીઝન્સને આ વાત બિલકુલ ગમી નથી. સોશિયલ મીડિયા પર લોકો આને સનાતન ધર્મ અને ભગવાન પરશુરામનું ઘોર અપમાન ગણાવી રહ્યા છે. યૂઝર્સે આક્રોશ ઠાલવતા લખ્યું છે કે, "કોઈ રાજકીય નેતાને ભગવાનનું સ્વરૂપ આપીને પૂજવા તે ધાર્મિક લાગણીઓ સાથે રમત છે." ટ્વિટર (X) પર આ ઘટનાને લઈને કોંગ્રેસ વિરુદ્ધ ભારે ટ્રોલિંગ શરૂ થઈ ગયું છે.
પક્ષ તરફથી મૌન, પણ રાજકીય ગરમાવો વધ્યો
વિવાદ વધવા છતાં આ મામલે હજુ સુધી રાહુલ ગાંધી કે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આવી નથી. રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીના માહોલમાં અને કાશી જેવા ધાર્મિક કેન્દ્ર પર આવા પ્રતીકાત્મક પ્રયોગો હંમેશા વિવાદોને જન્મે આપે છે. ધાર્મિક પ્રતીકોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે, તે અંગે અત્યારે સોશિયલ મીડિયાથી લઈને વારાણસીના ઘાટો સુધી ભારે ચર્ચા ચાલી રહી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
