<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અમેરિકી કોંગ્રેસમાં જોરદાર હોબાળો: ઈરાન યુદ્ધ વચ્ચે ડેમોક્રેટ મહિલા સાંસદ સારા જેકોબ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પની માનસિક સ્થિરતા પર ઉઠાવ્યા ગંભીર સવાલ : સંરક્ષણ સચિવ પીટ હેગસેથે બાઇડેનનો ઉલ્લેખ કરી કર્યો આકરો પલટવાર

કોંગ્રેસની બજેટ સુનાવણીમાં ટ્રમ્પને 'પેઢીઓમાં સૌથી તીક્ષ્ણ કમાન્ડર-ઇન-ચીફ' ગણાવતા હેગસેથ; મધરાતની સોશિયલ મીડિયા પોસ્ટ અને AI ઈમેજ બાદ ટ્રમ્પના વર્તનને લઈને વિપક્ષની ચિંતા, 1.5 ટ્રિલિયન ડોલરના ડિફેન્સ બજેટ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગરમાયો

વોશિંગ્ટન તા.૩૦ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકી કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિને લઈને જોરદાર હોબાળો મચી ગયો છે. House Armed Services Committeeની નાણાકીય વર્ષ 2027ના સંરક્ષણ બજેટ માટેની સુનાવણી દરમિયાન કેલિફોર્નિયાના ડેમોક્રેટ સાંસદ સારા જેકોબ્સે સંરક્ષણ સચિવ પીટ હેગસેથને સીધો અને આકરો સવાલ પૂછી દીધો કે, શું તમે વ્યક્તિગત રીતે માનો છો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના કમાન્ડર-ઇન-ચીફ તરીકેની જવાબદારી નિભાવવા માટે માનસિક રીતે પૂરતા સ્થિર અને સક્ષમ છે?

 

સાન ડિએગોથી ચૂંટાયેલા જેકોબ્સે 29 એપ્રિલે થયેલી સુનાવણીમાં ભાવુક થતા કહ્યું કે, મને આપણા રાષ્ટ્રપતિ વિશે આ પ્રકારનો સવાલ પૂછતા ખૂબ દુઃખ થાય છે, પરંતુ મારા મતવિસ્તારના હજારો સૈનિકોના જીવ આજે જોખમમાં છે. તેમણે ઉમેર્યું કે, ઈરાન સામેના યુદ્ધમાં મારા જિલ્લાના મરીન્સ સહિત હજારો અમેરિકી જવાનો મોરચે લડી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણા સૈનિકો માટે કમાન્ડર-ઇન-ચીફની માનસિક સ્થિરતા અને નિર્ણય લેવાની ક્ષમતા સૌથી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

 

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જેકોબ્સના સવાલ પર તરત જ આકરો પલટવાર કર્યો અને પૂછ્યું: શું તમે છેલ્લા ચાર વર્ષ સુધી રાષ્ટ્રપતિ જો બાઇડેન વિશે પણ આ જ સવાલ કોંગ્રેસમાં પૂછ્યો હતો? આના પર જેકોબ્સે ત્વરિત જવાબ આપ્યો, મિસ્ટર સેક્રેટરી, જો બાઇડેન હાલ રાષ્ટ્રપતિ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા દોઢ વર્ષથી અમેરિકાના રાષ્ટ્રપતિ છે અને યુદ્ધના તમામ નિર્ણયો તેમના હાથમાં છે.

 

હેગસેથે ટ્રમ્પનો પૂરી તાકાતથી બચાવ કરતા કહ્યું, હું કમાન્ડર-ઇન-ચીફ પરના આ સ્તરના બિનજરૂરી અપમાન અને બદનામીમાં પડવા પણ માંગતો નથી. મારા મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને મળેલા પેઢીઓમાં સૌથી તીક્ષ્ણ, સૌથી અંતર્દૃષ્ટિવાળા અને સૌથી નિર્ણાયક કમાન્ડર-ઇન-ચીફ છે. તેઓ દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે.

 

79 વર્ષીય રાષ્ટ્રપતિ ટ્રમ્પની માનસિક સ્થિતિ અને વર્તન પર છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. ફેબ્રુઆરી 2026ના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર મોટો હવાઈ હુમલો કર્યો ત્યારથી ટ્રમ્પ વારંવાર મધરાતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યુદ્ધ, દુશ્મનો અને વૈશ્વિક રાજનીતિ વિશે ઉશ્કેરણીજનક પોસ્ટ કરે છે. તાજેતરમાં તેમણે એક AI-જનરેટેડ ઈમેજ શેર કરી હતી જેમાં પોતાને ઈસુ ખ્રિસ્તના રૂપમાં દર્શાવ્યા હતા. આ પોસ્ટ વાયરલ થયા બાદ માત્ર ડેમોક્રેટ જ નહીં, કેટલાક રિપબ્લિકન સાંસદોએ પણ ખાનગીમાં ચિંતા વ્યક્ત કરી હતી.

 

આ સુનાવણી નાણાકીય વર્ષ 2027ના સંરક્ષણ બજેટને મંજૂરી આપવા માટે યોજાઈ હતી. ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું સંરક્ષણ બજેટ એટલે કે 1.5 ટ્રિલિયન ડોલર ખર્ચવાની દરખાસ્ત મૂકી છે. સારા જેકોબ્સે દલીલ કરી કે, આટલું વિશાળ બજેટ અને સમગ્ર યુદ્ધના નિર્ણયો એવા વ્યક્તિના હાથમાં છે જેની માનસિક સ્થિરતા પર દેશ અને દુનિયામાં સવાલો ઉઠી રહ્યા છે. આ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

 

આ ઘટના બાદ અમેરિકી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રિપબ્લિકન પક્ષ અને ટ્રમ્પ સમર્થકોએ હેગસેથના જવાબને વખાણ્યો અને આ સવાલને ડીપ સ્ટેટનું કાવતરું ગણાવ્યું. બીજી તરફ ડેમોક્રેટ્સે કહ્યું કે યુદ્ધના સમયે રાષ્ટ્રપતિની ક્ષમતા પર સવાલ પૂછવો એ કોંગ્રેસની બંધારણીય ફરજ છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ.

(3:45 PM IST)