<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

એલપીયુ કેમ્પસમાં ભારે હોબાળો: જાતીય સતામણીની અફવા બાદ તોડફોડ, આગચંપી અને નેશનલ હાઈવે બ્લોક

પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર આક્રોશ, મિગ-23 અને ટેન્ક પર ચડીને કર્યો વિરોધ

ફગવાડા : પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) માં કથિત જાતીય સતામણીની અફવાઓને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

આ ગુસ્સો એટલી હદે વધી ગયો છે કે ઉત્તેજિત વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આગચંપી અને તોડફોડનો આશરો લીધો હતો. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે) પણ અવરોધિત કરી દીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

કેમ્પસમાંથી સામે આવેલા વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓના જૂથો "અમને ન્યાય જોઈએ છે" ના ઉગ્ર નારા લગાવતા નજરે પડે છે. અન્ય ફૂટેજમાં તૂટેલી બારીના કાચ, વેરવિખેર થયેલા ફૂલના કુંડા તેમજ યુનિવર્સિટી બિલ્ડિંગના કેટલાક ભાગો અને વસ્તુઓમાં લાગેલી આગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેમ્પસની અંદર આવેલી કેટલીક દુકાનોમાં પણ વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સામે આવેલા એક અન્ય ચોંકાવનારા વીડિયોમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરિસરમાં પ્રદર્શિત કરાયેલા મિગ-23 ફાઈટર જેટ અને ટેન્ક પર ચઢેલા જોવા મળ્યા હતા.

યુનિવર્સિટી પરિસરમાં પ્રવર્તેલી આ અશાંતિ બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટના પાછળના વાસ્તવિક કારણોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ મામલે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવે તેવી અને તોડફોડમાં સામે ૧૫ વિદ્યાર્થીઓની ઓળખ કરી કાયદેસરના પગલાં લેવાય તેવી સંભાવના છે.

(3:49 PM IST)