<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભારે હોબાળો : વિપક્ષની સૂત્રોચ્ચારો વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત

નીટ પેપર લીક અને જંતર-મંતર પર થયેલા લાઠીચાર્જના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો પ્રચંડ હોબાળો : 'જ્યાં તથ્યો હોય ત્યાં હંગામાની જરૂર નથી' તેવો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો એળે ગયો

નવી દિલ્હી, તા.૨૦ જુલાઈ: સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ દિવસે જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો અને સૂત્રોચ્ચારો કરવામાં આવતા કાર્યવાહી વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. સત્રની શરૂઆત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ સાંસદોને તાર્કિક ચર્ચામાં ભાગ લેવા અને સંસદમાં દરેકનો અવાજ સંભળાવો જોઈએ તેવો સંદેશો આપ્યો હતો, પરંતુ વિપક્ષી હંગામા સામે તેમનો આ સંદેશો એળે ગયો હોય તેવા દ્રશ્યો ગૃહોમાં જોવા મળ્યા હતા.

 

લોકસભામાં માત્ર સાત મિનિટ જ ચાલી શકી કાર્યવાહી: લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ દિવંગત ભૂતપૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપીને ગૃહની કાર્યવાહીની શરૂઆત કરાવી હતી. જો કે, ત્યારબાદ તુરંત જ વિપક્ષી સભ્યોએ બાંકડા ગજવીને જોરદાર સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા, જેના લીધે ગૃહમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંસદ એ લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે અને અહીં દરેકને બોલવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમ છતાં હંગામો ન અટકતા ગૃહને બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાયું હતું. બપોરે ૧૨:૦૦ કલાકે જ્યારે ગૃહ ફરી મળ્યું ત્યારે અધ્યક્ષ સ્થાને બેઠેલા દિલીપ સૈકિયાએ ગૃહને સુચારૂ રૂપે ચાલવા દેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખતા ગૃહ માત્ર સાત મિનિટ જ ચાલી શક્યું હતું અને આખરે લોકસભાને બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

 

રાજ્યસભામાં NEET પેપર લીક અને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જનો મુદ્દો ગાજ્યો:બીજી તરફ રાજ્યસભામાં પણ દિલ્હીના જંતર-મંતર ખાતે કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હંગામાના પડઘા પડ્યા હતા. ગૃહમાં દસ્તાવેજો રજૂ કરાયા બાદ તુરંત જ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET-UG ૨૦૨૬ પેપર લીકનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. હજારો વિદ્યાર્થીઓ જંતર-મંતર પહોંચ્યા છે અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓને ફટકારીને આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમયે વિપક્ષી સભ્યોએ ઉભા થઈને 'શરમ કરો, શરમ કરો' ના નારા લગાવ્યા હતા. ગૃહમાં સર્જાયેલી ભારે અશાંતિ વચ્ચે ચેરમેન સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદ ચાલવા દેવા કરી હતી ખાસ અપીલ:આ પૂર્વે સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, "મારું માનવું છે કે જ્યાં તથ્યો હોય ત્યાં હંગામાની કોઈ જરૂર હોતી નથી. જો તમારી તર્કશક્તિ અને તથ્યો મજબૂત હોય તો અવાજ ઉઠાવવાની જરૂર પડતી નથી. હું આશા રાખું છું કે સંસદમાં તર્ક અને તથ્યો સાથે ચર્ચાઓ થાય. સંસદની ભૂમિકા દરેક અવાજને સાંભળવાની તક આપવાની છે અને હું તમામ સાંસદોને આમાં સહભાગી થવા વિનંતી કરું છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પક્ષભેદ ભૂલીને તમામ અનુભવી સાંસદોના જ્ઞાન અને અનુભવની દેશને અત્યારે જરૂર છે, જેથી અર્થપૂર્ણ ચર્ચાઓ દ્વારા દેશને સામૂહિક સંકલ્પ સાથે આગળ લઈ જઈ શકાય.

(1:10 PM IST)