<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દિલ્હી યુનિવર્સિટીની ડુસુ (DUSU) ચૂંટણીમાં ભારે હોબાળો: એબીવીપીના વિજય સામે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મતગણતરીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા દેવેન્દ્ર યાદવે નિષ્પક્ષ તપાસની કરી માંગ: લિંગદોહ સમિતિની માર્ગદર્શિકાના ભંગ અને સત્તાના દુરુપયોગનો દાવો

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે જ રાજકારણ ગરમાયું છે. આ ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ ચારમાંથી ત્રણ કેન્દ્રીય પેનલ પદો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ઉપપ્રમુખ પદ પર અપક્ષ ઉમેદવાર તરીકે લડેલા દીપાંશુ શૌકીન વિજયી થયા છે. બીજી તરફ, કોંગ્રેસ સાથે જોડાયેલી વિદ્યાર્થી પાંખ NSUI આ ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. પરિણામો જાહેર થયા બાદ NSUI અને દિલ્હી કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

 

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન એનએસયુઆઈના ઉમેદવારોને કેટલાક કોલેજ કેમ્પસમાં પ્રચાર કરવાની પરવાનગી આપવામાં નહોતી આવી, જ્યારે એબીવીપીના ઉમેદવારોને વિશેષ છૂટ અપાઈ હતી. આ સમાન તકના સિદ્ધાંત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પર સીધા પ્રશ્નો ખડા કરે છે. તેમણે લિંગદોહ સમિતિની માર્ગદર્શિકાના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો દાવો કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના માળખાનો ઉપયોગ એક જ સંગઠનના પક્ષમાં થયો છે.

 

મતગણતરી અટકાવવાનો અને સત્તાના દુરુપયોગનો આક્ષેપ

 

વિવાદ વધુ વણસતા યુપી એનએસયુઆઈના ઉપપ્રમુખ આર્યન મિશ્રાએ દાવો કર્યો છે કે મતગણતરી દરમિયાન એનએસયુઆઈના પ્રમુખપદના ઉમેદવાર સાંજે ચાર વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા હતા. અચાનક જ કુલપતિ મતગણતરી સ્થળ પર પહોંચ્યા અને ગણતરી અડધા કલાક સુધી રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને પરિણામોને પ્રભાવિત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ અને એનએસયુઆઈએ આ સમગ્ર મામલે ઇવીએમના ઉપયોગ, મતગણતરીની પારદર્શિતા અને ચૂંટણીની વિશ્વસનીયતા અંગે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

(10:01 PM IST)