તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: TCS નાસિક કેસમાં રાષ્ટ્રીય મહિલા પંચ આકરા પાણીએ, મહિલા સુરક્ષા અને POSH કાયદાના અમલીકરણમાં ગંભીર છીંડાં ઝડપાતા કંપનીને ફટકારાઈ નોટિસ
સીસીટીવી બંધ, એચઆર ગાયબ અને કમિટીનો સદંતર અભાવ: NCW ચીફ વિજ્યા રાહતકરની કડક સુનાવણી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના તમામ ૧૨૭ યુનિટોને ૪ અઠવાડિયામાં આંતરિક સમિતિઓ રચવા અલ્ટીમેટમ

નાસિક: દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક સેન્ટર સાથે જોડાયેલા એક હલચલ મચાવનારા મામલામાં રાષ્ટ્રીય મહિલા પંચ (NCW) દ્વારા અત્યંત કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મહિલા પંચના નવનિયુક્ત ચેરપર્સન વિજ્યા રાહતકરના સીધા નેતૃત્વ હેઠળ આ ચકચારી કેસની ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ સુનાવણી દરમિયાન મહિલા પંચે ટીસીએસના નાસિક યુનિટ ખાતે મહિલા કર્મચારીઓની સુરક્ષા અને કાર્યસ્થળે જાતીય સતામણી અટકાયત (PoSH) ધારાના કાયદાકીય અમલીકરણમાં જોવા મળેલી ગંભીર લાપરવાહી બદલ ભારે આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી છે. પંચના મતે, મહિલાઓની સુરક્ષા માટે જે નિયમો હોવા જોઈએ, તેના અમલમાં અહીં એક સુઆયોજિત રીતે બહુ મોટી ખાઈ (ખામી) ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
CCTV બંધ અને કોઈ સિનિયર ઓફિસર ફરક્યા જ નહીં: પંચે ઉધડો લીધો
સુનાવણી દરમિયાન પંચ સમક્ષ જે વિગતો આવી તે ચોંકાવનારી હતી. નાસિક જેવા મહત્વના સેન્ટર પર સ્થાનિક સ્તરે કોઈ સક્ષમ HR (હ્યુમન રિસોર્સ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોતું, તેમજ પીડિત મહિલાઓ પોતાની આપવીતી કહી શકે તેવી કોઈ ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ અસ્તિત્વમાં નહોતી. આ ઉપરાંત, નાસિક ઓફિસ માટે કોઈ સમર્પિત 'આંતરિક સમિતિ' (Internal Committee) ની રચના કરવામાં આવી નહોતી, કાયદા મુજબ મહિલાઓ PoSH હેઠળ ફરિયાદ કરી શકે તેવી કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ નહોતી. હદ તો ત્યાં થઈ ગઈ કે ઓફિસના મહત્વના વિસ્તારોમાં સીસીટીવી (CCTV) કેમેરાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ બિનકાર્યરત એટલે કે બંધ હાલતમાં હતું. રાષ્ટ્રીય મહિલા પંચે કંપની મેનેજમેન્ટને આકરો સવાલ કર્યો હતો કે, કર્મચારીઓ દ્વારા વારંવાર ગંભીર પ્રશ્નો રજૂ કરવા છતાં શા માટે નાસિક સેન્ટરની કોઈ ઉચ્ચ કે સિનિયર અધિકારીએ મુલાકાત સુધ્ધાં ન લીધી? આ પ્રકારની ગુનાહિત બેદરકારી શા માટે દાખવવામાં આવી?
મહિલા પંચના ૪ સપ્તાહના કડક આદેશો: કંપનીના તમામ ૧૨૭ યુનિટો રડારમાં
"કોઈપણ નામાંકિત કોર્પોરેટ હાઉસ મહિલા કર્મચારીઓની સુરક્ષા સાથે બાંધછોડ ન કરી શકે. સંસ્થાગત સુરક્ષા અને PoSH ના નિયમોનું પાલન માત્ર કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કડકાઈથી થવું જ જોઈએ."
NCW ના ચેરપર્સન વિજ્યા રાહતકરે TCS મેનેજમેન્ટને સુધરી જવા માટે આખરી તક આપતા કેટલાક કડક આદેશો જાહેર કર્યા છે:
• સમર્પિત આંતરિક સમિતિની રચના: ટીસીએસના દેશભરમાં ફેલાયેલા તમામ ૧૨૭ યુનિટો—કે જ્યાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે—તે તમામ સેન્ટરો પર આગામી ૪ સપ્તાહની અંદર અલગથી સક્રિય આંતરિક સમિતિઓની (IC) રચના કરવાનો કડક આદેશ આપ્યો છે.
• વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ: કંપનીના તમામ સ્તરના કર્મચારીઓ અને મેનેજમેન્ટ માટે તાત્કાલિક ધોરણે વ્યાપક PoSH જાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું પડશે.
• વાર્ષિક રિપોર્ટ સબમિશન: સંબંધિત જવાબદાર અધિકારીઓએ દર વર્ષે PoSH અંતર્ગત થતી કામગીરીનો વાર્ષિક અહેવાલ સત્તાવાળાઓ સમક્ષ નિયમિત રજૂ કરવો પડશે.
મહિલા પંચે ટીસીએસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, બરાબર ૪ અઠવાડિયા પછી આ મામલે ફરી એક હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજાશે. આ આગામી બેઠકમાં કંપનીના સંબંધિત ઉચ્ચ અધિકારીઓએ કોઈપણ બહાના વગર ફિઝિકલ (રૂબરૂ) હાજર રહેવું પડશે અને લીધેલા પગલાંનો રિપોર્ટ સોંપવો પડશે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
