<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાયગઢના દિવેઆગર બીચ પર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ભારે કરૂણાંતિકા: સમુદ્રમાં નહાવા પડેલા ૮ વિદ્યાર્થીઓ ડૂબ્યા

પુણેની ખાનગી સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓ પાણીની ઊંડાઈ ન સમજાતાં તેજ પ્રવાહમાં તણાયા, સ્થાનિક લોકો અને લાઇફગાર્ડ્સે મૃતદેહો બહાર કાઢ્યા

રાયગઢ : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ દિવેઆગર બીચ પર ગુરુવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જેમાં પુણેના આલંદી વિસ્તારની એક ખાનગી કોચિંગ સંસ્થાના ૮ માસુમ વિદ્યાર્થીઓ સમુદ્રના ઊંડા પાણીમાં ડૂબી જતાં તેમના કરૂણ મોત નીપજ્યા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આલંદી સ્થિત 'વિનર્સ એકેડેમી ફોર ૧૧થ એન્ડ ૧૨થ સાયન્સ' નામની સંસ્થા દ્વારા યોજાયેલા આ શૈક્ષણિક પ્રવાસમાં ૨૫ છોકરાઓ, ૧૭ છોકરીઓ અને ૬ શિક્ષકો મળીને કુલ ૪૮ લોકો જોડાયા હતા, જેઓ ગુરુવારે બપોરે દિઘી મેરીટાઇમ પોલીસ સ્ટેશનની હદમાં આવતા દિવેઆગર બીચ પર પહોંચ્યા હતા.

 

દરિયા કિનારે આનંદ માણી રહેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક ઉત્સાહમાં આવીને સમુદ્રમાં નહાવા માટે ઉતર્યા હતા, પરંતુ ભરતી-ઓટ અને પાણીની ઊંડાઈનો સાચો અંદાજ ન આવવાને કારણે આઠ વિદ્યાર્થીઓ દરિયાના તેજ પ્રવાહમાં તણાઈને ઊંડે સુધી ખેંચાઈ ગયા હતા.

 

ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને લાઇફગાર્ડ્સે તાત્કાલિક દરિયામાં ઝંપલાવીને તમામ આઠ વિદ્યાર્થીઓને બહાર કાઢી નજીકની બોરલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા, પરંતુ તબીબી અધિકારીઓએ તપાસ બાદ તમામ ૮ વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા હતા.

 

મૃતક વિદ્યાર્થીઓની ઓળખ યશ કિરણ વાનખેડે, સોહમ તુકારામ ભંડવાલકર, તન્મય દત્તાત્રેય વાહિલે, કૌસ્તુભ સંદીપ દૌંડ, કૈવલ્ય વાસંકર, રાજવીર વાહિલે, પ્રણવ બંસોડે અને સુમિત આહિરે તરીકે થઈ છે, જેના કારણે આલંદી અને પુણે વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

ઘટનાની જાણ થતાં જ દિઘી મેરીટાઇમ પોલીસ, મહેસૂલ અને આરોગ્ય વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો, અને તમામ મૃતદેહોને કબજે લઈને આગળની કાયદાકીય પ્રોટોકોલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમજ પ્રવાસના આયોજન અને સુરક્ષામાં રહી ગયેલી ખામીઓ અંગે તપાસ શરૂ કરાઈ છે.

(8:43 PM IST)